શોલે ફિલ્મ ફેઇમ સલીમ-જાવેદે મને એક ડાયલોગ રીરાઇટ કરી મોકલી આપ્યો છે. એ ડાયલોગ ખાનગી છે પણ તમને શેર કરવામાં વાંધો નથી
અમિતાભ,” હાંયય, મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, ધનદોલત હૈ, હીરેજવેરાત હે. તુમ્હારે પાસ કયાં હૈ? હાંયય “
શશી કપૂર,” મેરે પાસ બુલડોઝર હૈ!! ઉન સબ પર બુલડોઝર ચલા દૂંગા!!”
કહે છે કે આ ડાયલોગ સાંભળી અમિતાભ ખરગોનવાસી કે જહાંગીરપુરાવાસીની જેમ શત્રુઘ્ન સિંહાની સ્ટાઇલમાં ખાઆમૌશ થઇ ગયો.
કલિયુગમાંથી સતયુગ તરફ જવાનો એકમાત્ર રસ્તો બુલડોઝર છે.બજરંગબલીની માફક બુલડોઝર સંકટમોચક, વિધ્નહર્તા અને સુખકર્તા છે.
મહાભારતના યુધ્ધમાં અર્જુન એન્જિન સ્વામી ( અરે ડ્રાઇવર)ને કહે છે કે મહારથી માધવ આપણું બુલડોઝર સમરાંગણ મધ્યે લઇ લો. બંને પક્ષોના સૈન્ય જોવા માંગું છું. બંને બાજુના અવૈધ મકાનો જોઇ અર્જુનના ગાત્રો શિંથિલ થઇ ગયા. શરીરે પ્રસ્વેદ બિંદુઓ દેખાયા. હદયની ગતિ અનિયંત્રિત થઇ ગઇ. “હે કેશવ આ
મારે આટલા બધા દબાણો દૂર કરી જમીન શ્રી સરકારે કરવાની??”અર્જુને પૂછ્યું.
ભગવાને મંદ મંદ મુસ્કાન સાથે અર્જુનને શું માર્ગદર્શન આપ્યું એ સર્વવિદિત છે તેથી પુનરોકતિનો દોષ વહોરતો નથી.!!!
ભગવાને કહ્યું છે કે વાહનોમાં હું બુલડોઝર છું!!
જ્યારે જ્યારે ભારતભૂમિ પર અધર્મનો ભાર વધી જશે ત્યારે ધર્મના અભ્યુત્થાન કરવા હું બુલડોઝરરૂપે પ્રગટીશ.
કહેવાય છે કે ભગવાન વિષ્ણુના નવ અવતારો થઇ ચુકયા છે. ભગવાન વિષ્ણુનો દસમો અવતાર નકલંક અવતાર થનાર છે. અપિતું, અદ્યતન આપાતકાલીન પરિસ્થિતિ ધ્યાને લઇને નકલંક અવતાર પોસ્ટપોન થનાર છે અને દસમો અવતાર બુલડોઝરાવતાર થવાનો છે.
હવે કોરોનાની ચોથી લહેર આવે તો હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર, ઓકસિજન, રેમિડેસિવર કે ટોસિલોઝૂમેબની વ્યવસ્થા સુનિશ્ચિંત કરવાની નથી. પરંતું. કોરોના પર બુલડોઝર ફેરવવાનું છે. દેશમાં કેટલીબધી તાબાની કોર્ટ , જિલ્લા કોર્ટ , વડી અદાલત, સર્વોચ્ચ અદાલત છે, જજસાહેબો છે, વિધ્વાન વકીલ સાહેબો( જયુડિશિયરી પાસેથી ઘણી શીખવા જેવી બાબતો છે. તેમાં પણ સામેના પક્ષનો વકીલ દુશ્મન હોવા છતાં મારા વિદ્વાન મિત્ર કહેવાનો શિરસ્તો છે તે કાબિલે તારીફ છે. વિદ્વાન મિત્ર મિત્ર કહી કોથળીમાં પાણશેરી મારવાની કળાનો હું કાયલ છું.) છે. છતાં પડતર કેસોનો નિકાલ કરવામાં ૮૪૦ વરસોની વાર લાગે તેમ છે. આ પડતર કેસો બુલડોઝરને સોંપવામાં આવે તો ઘડીના છઠા ભાગમાં કેસોનો નિકાલ થઇ જાય. બુલડોઝર કસમ!!મા કસમ આઉટ ઓફ ડેઇટ થઇ ગયું છે!!
પડોશી દેશો આડા ફાટે તો તેને જલેબી જેવા સીધીદોર કરવા સરહદે તોપ, બખ્તરિયાગાડી, મિસાઇલ રોકેટ લોન્ચર , બોમ્બ વગેરે તૈનાત કરવાના બદલે બુલડોઝર તૈનાત કરવામાં આવનાર છે.
સંત તુલસીદાસે આ ચોપાઈમાં બુલડોઝરનો મહિમા ગાયો છે
“ બુલડોઝરમય સબ જગ જાની,
કરહું પ્રણામ કર કર જોરૂં પાની”
અત્ર તત્ર સર્વત્ર બુલડોઝરનો મહિમા છે! રાષ્ટ્રની હર સમસ્યા ,તકલીફ અને મુશ્કેલીનો ઉપાય બુલડોઝર છે. આઝાદીના પંચોતેર વર્ષ- અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન બુલડોઝરનો જાદુઈ ચિરાગ સ્વયંભૂ પ્રગટ થયો છે. સૂર્ય ચંદ્ર સ્થિર થયા છે મંદ મંદ મલયાનિલ વહી રહ્યો છે. દેવો દુદુંભી વગાડી રહ્યા છે અને પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે.( દેવોના જોબ ચાર્ટમાં આ સિવાય કોઇ કામ એસાઇન થયેલ નથી. હોંકે!!)
સમગ્ર જગત બુલડોઝરમય હોય તો આ કવિ કે લેખકડો ઝાલ્યો રહે? જવાબ- ઝાલ્યો રહે નહીં. જવાબ પૂરો.
મે પણ બે લાઇનો ઠઠાડી-ઠપકારી દીધી.
“ પ્રેમના કિલ્લા-મિનારો જમીનદોસ્ત કરવા છે,
આજકાલ માંગ્યે બુલડોઝર ઇઝીલી કયાં મળે છે??
– ભરત વૈષ્ણવ