એરપોર્ટ પર જોન્સનના સ્વાગત માટે રાજ્યપાલ અને સીએમ ઉપસ્થિત રહ્યા : બોરિસ ગાંધી આશ્રમથી પ્રભાવિત થયા : જોન્સને ભારત પ્રવાસની શરુઆત ગુજરાતના અમદાવાદથી કરી છે
અમદાવાદ,તા.૨૧
ભારત પ્રવાસની શરુઆત અમદાવાદથી કરનારા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત બાદ બોરિસ જોનસન ઈન્કમ ટેક્સ પાસે આવેલી હોટલ હ્યાત્તમાં પહોંચ્યા હતા. અહીં તેઓ હળવો આરામ કર્યા પછી ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આજે ગુજરાતથી પોતાના બે દિવસના ભારત પ્રવાસની શરુઆત કરી છે. તેમણે પોતાના કાર્યક્રમની શરુઆત ગાંધી આશ્રમની મુલાકાત સાથે કરી છે. બોરિસ જોન્સન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
બોરિસ જોન્સનને ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા સંસ્મરણો અને આઝાદીની ચળવળમાં તેમણે ભજવેલી મહત્વની ભૂમિકાઓથી વાકેફ કરાવવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમમાં ગાંધીજી ક્યાં બેસતા હતા તેમની અહીં દિનચર્યા શું રહેતી હતી વગેરે બાબતેથી તેમને વાકેફ કરવામાં આવ્યા છે. બોરિસ ગાંધી આશ્રમથી પ્રભાવિત થયા હતા અને તેમણે વિઝિટર બૂકમાં પોતાના વિચાર લખ્યો છે.અમદાવાદ ગાંધી આશ્રમ પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આશ્રમની વિઝિટર બૂકમાં લખ્યું છે કે, “આવી ગજ વ્યક્તિના આશ્રમમાં આવવું અને અહીં સમજવું કે સત્ય અને અહીંસા જેવા સરળ સિદ્ધાંતોનો ઉપયોગ દુનિયા બદલવા માટે કર્યો, આ સૌભાગ્યની વાત છે.” તેમના લખાણ પરથી પ્રતિત થાય છે તે કેઓ આ અમદાવાદની ભૂમિ પર બનેલા ગાંધી આશ્રમમાં આવીને ગાંધીજીની સત્ય અને અહિંસાની તાકાતથી અભિભૂત થયા છે. સાબરમતી આશ્રમમાં તેમણે અગાઉના મહેમાનોની જેમ ચરખા પર પણ પોતાનો હાથ આજમાવ્યો હતો. ચરખો કઈ રીતે કામ કરે છે તે અંગે પણ આશ્રમમાં તેમને સમજાવવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના શિષ્ય બનેલા મેડલીન સ્લેડ ઉર્ફે મીરાબેનની આત્મકથા ’ધ સ્પિરિટ્સ પિલગ્રિમેઝ’ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનને સાબરમતી આશ્રમ દ્વારા ભેટમાં આપવામાં આવી છે. મેડલીન સ્લેડ ઉર્ફે મીરાબેન બ્રિટિશ રિયર-એડમિરલ સર એડમંડ સ્લેડની દીકરી હતા. ગાઈડ ટૂ લંડન મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા પહેલા પુસ્તકમાંથી એક છે જે ક્યારેય પ્રકાશિત નથી. જેની પણ ભેટ આપવામાં આવી છે.