ભાવનગરની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાયા

102

પ્રાથમિક શાળામાં તાળા તોડીને રાત્રિના સમયે પેપર ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે
રાજ્યમાં એનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ ભાવનગરની તળાજાની નેસવડ પ્રાથમિક શાળામાં તો પરીક્ષાના પ્રશ્નપત્રો જ ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. ધોરણ ૬, ૭, ૮ ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી ચોરાયા છે. જેના કારણે, રાજ્યભરમાં ધો ૭ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે. ધોરણ સાતના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે. તારીખ ૨૨ અને ૨૩ એપ્રિલે લેવાનાર વાર્ષિક પરીક્ષાના પેપર રદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભાવનગર પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આવી ચોંકાવનારી ઘટના બની છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી ધોરણ સાતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની ચોરી થઈ છે. જેની જાણ થયા બાદ આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં તાળા તોડીને રાત્રિના સમયે પેપર ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે બાદ સ્કૂલનાં આચાર્યએ તળાજા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ ડોગ સ્કોડ તેમજ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે, વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આજે તા.૨૨/૪/૨૨ અને આવતીકાલે તા.૨૩/૪/૨૨ના રોજ યોજાનારી ધોરણ સાતની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ ૭ની પરીક્ષા યોજાશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ ચાલુ રહેશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ના સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં પ્રશ્ન નંબર ૨૧માં આકૃતિ ઉપરથી પૂછવામાં આવેલા એક ગુણના જવાબમાં ખુદ બોર્ડની આન્સર કીમાં જ જવાબ ખોટો હતો અને ઉત્તરવહી ચકાસણી બાદ પેપર નિરીક્ષકોએ આ પ્રશ્ન અંગે ભુલ હોવાનું ધ્યાન દોરતા આખરે બોર્ડે સુધારો કરવો પડ્યો છે. પ્રશ્ન નં.૨૧માં આ પ્રશ્નનો જવાબ ત્રણ હતો. સંખ્યાબંધ પેપર પેપર તપાસાયા બાદ આન્સર કીમાં ફેરફાર કરી જવાબ ૨ કરાતા શિક્ષકોએ પેપર ફરી જાેવાની અને સુધારવાની ફરજ પડતા સમય અને શક્તિનો બગાડ થયો હતો.

Previous articleગ્રીષ્મા હત્યામાં આરોપી ફેનિલ તમામ ગુનામાં દોષિત ઠર્યો
Next articleરાણપુરમાં ગઢ માં આવેલ ભવાની માતાજીના મંદીરે નવચંડી યજ્ઞ,રાજોપ્ચાર પુજા તથા ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો..