૧૯૦ જેટલા વેપારીઓએ દુકાનો બંધ કરી રોષ ઠાલવ્યો
વરતેજ ગેટ આંબાચોક વેપારી એસોસીએશન દ્વારા આજે પોલીસ અને કોર્પોરેશનની કનડગતના વિરોધમાં દુકાનો બંધ કરી રોષ ઠાલવ્યો હતો.
કોરોના કાળ પછી આંબાચોક વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ કોર્પોરેશનના એનફોર્સમેન્ટ વિભાગ દ્વારા દુકાનદારોએ દુકાન બહાર રાખેલ પડદા માટે ભારે કનડગત કરવામાં આવી રહી હોવાના વેપારીઓએ આક્ષેપો કર્યા છે. આજે સવારે પોલીસના બે વાહનો આવી અને વેપારીઓને દુકાન બહાર ગરમીના કારણે લગાવેલા પડદા હટાવી લેવા તાકીદ કરી હતી. અને પડદા વગર ગરમી લાગતી હોય તો દુકાન બંધ કરી ઘરભેગા થઈ જવાનું કહી રોફ જમાવ્યો હતો તેમ વેપારીઓએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું. આ અંગે એસોસીએશનની તાકિદે મિટીંગ બોલાવી ૨૦૦ જેટલા વેપારીઓ એક અવાજે પોલીસખાતાના વર્તનના વિરોધમાં અચોક્કસ મુદત માટે દુકાનો બંધ રાખવાનું નક્કી કરાયુ હોવાનું પણ જણાવ્યુ હતું અને વેપારીઓ દુકાનો બંધ કરી દીધી હતી. વધુમાં વેપારીઓએ રોેષ પુર્વક જણાવેલ કે આંબાચોક સહિત શહેરભરના મોટાભાગના વિસ્તારોમાં ૨૦૦ ટ્રક ભરાય તેટલા દબાણો સામે તંત્ર આંખ આડ કરી રહ્યુ છે અને ટેક્ષ આપતા વેપારીઓ સામે રોફ જમાવી રહી છે. જેનો તમામ વેપારીઓ દ્વારા વિરોધ કરાયો છે.