સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે અને તેમાં પણ પોતાની ગમતી પ્રવૃત્તિ મળી જાય ત્યારે વ્યક્તિ તેમાં આગળ વધે છે. પરંતુ તે પ્રવૃત્તિ કરનારા માનવી ઉપર પણ કેટલાક સંસ્કાર, દેશ અને કાલનો પ્રભાવ હોય છે. વળી, તે એકલો પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે જુદી રીતે કરે છે અને સમૂહમાં તે અલગ રીતે કરે છે. કેમ કે માણસની મૂળભૂત વાત કરવાની શૈલી, ચાલવાની શૈલી, હસવાની શૈલી વગેરે પણ તદ્દન ભિન્ન હોય છે. આમ, વ્યક્તિની પ્રવૃત્તિ કરવાની રીત પરથી વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે. અને વ્યક્તિત્વથી આચરણ ઘડાય છે. એટલે કે તે અમૂક પરિસ્થિતિમાં માણસ કેવું આચરણ કરે છે તે જણાઈ આવે છે. વ્યક્તિનું આચરણ જીવનમાં અતિ મહત્ત્વનું છે. તેનાથી ભાવિ જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે.
માણસના આચરણ અને પ્રવૃત્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. રોજની પ્રવૃત્તિથી આચરણનું માપ કઢાય છે. વસ્તુતઃ માણસની દરેક પ્રવૃત્તિ પોતાના સુખ માટે જ હોય છે. જેમાં ધન મળે, માન મળે, સત્તા મળે કીર્તિ મળે તેવી પ્રવૃત્તિ કરવી દરેકને ગમે છે. ટૂંકમાં દરેકને સુખની અદમ્ય ઇચ્છા છે. તેના માટે જ અનવરત પ્રવૃત્તિ થાય છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે માણસ બીજા પાસે પણ એવું આચરણ ઇચ્છે જે તેની આ સુખની પ્રવૃત્તિમાં સહયોગ આપે. જો સામેવાળી વ્યક્તિ આમાં વિરોધ કે અડચણ ઉત્પન્ન કરે તો માણસને ગમતું નથી.
માનવી પોતાને સામેવાળાની જગ્યા ઉપર લાવીને નથી જોઈ શકતો. પોતાને જેવાં સુખ જોઈએ છે તેવા સામેવાળાને પણ જોઈએ આ વાત સમજવાની ક્ષમતા આજનો માનવી ખોઈ રહ્યો છે. જ્યારે વ્યક્તિની ક્રિયા અથવા પ્રવૃત્તિ અને આચરણ ઉત્તમ હોય ત્યારે જ વ્યક્તિને ઉત્તમ અને શ્રેષ્ઠ કહેવામાં આવે છે.
ભગવાન સ્વામિનારાયણે એક સાથે ૫૦૦ સંતોને દીક્ષા આપી હતી. તેમાં ઘણા નવયુવાનોએ દીક્ષા લીધી હતી. તે વખતે સંતોનેગામડે વિચરણમાં મોકલવામાં આવતા. ભગવાને સંતોને લોકોના જીવનપરિવર્તનનો સાચો માર્ગ બતાવવા માટે વિચરણ કરવાની આજ્ઞા કરી. ત્યારે સંતોએ ભગવાનને પોતાનામાં એવી કોઈ આવડત ન હોવાનું જણાવ્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું – ‘તમે જેવું સાધુમાં રહીને અહીં વર્તો છો તેવી રીતે જે સ્થળે જાઓ તે સ્થળે પણ તેમ જ વર્તજો. જેથી તમારું આચરણ જોઈને લોકોને જીવન બદલવાની પ્રેરણા મળશે. અર્થાત્ તમે લોકોની પરિસ્થિતિ સમજજો ! તેમની જગ્યા ઉપર ઊભા થઈ તેમનાં સુખ અને દુઃખમાં ભાગીદાર થાજો. તેમની વેદના અને સંવેદનાને સમજજો ! કેમ કે આને જ સદાચરણ કહેવામાં આવે છે. આ આચરણ જ લોકોને જીવનપરિવર્તનનો માર્ગ બતાવે છે.’
શ્રીકૃષ્ણ ભગવાન પણ અર્જુનને આ વાત શ્લોકમાં સમજાવે છે –
આત્માઉપમયેનસર્વાત્રસમ્પશ્યતિયોજુના ?
સુખનવયદ્વદુહ ખાનસયોગી પરમોતઃ..(ગીતા-૬/૩૨)
‘હે અર્જુન ! જે પોતાની જેમ બધા પ્રાણીઓમાં સુખ કે દુઃખ સમ જુએ છે. તે યોગી શ્રેષ્ઠ મનાયો છે.’
શ્લોકમાં ’આત્મઉપમ્યેન’ અર્થાત્ ‘પોતાની જેમ’. આ શબ્દ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે વ્યક્તિ જે આચરણ પસંદ છે પહેલાં તેવું પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે પછી બીજા પાસે અપેક્ષા રાખવી. સારા આચરણ માટે સારી સદ્પ્રવૃત્તિ કરવી પડે. તે પ્રવૃત્તિ લોહીનો લય બની જાય ત્યારે સદાચરણ થાય. તે માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે.
ભગવાન સ્વામિનારાયણ તો એનાથી અધિક જઈને કહે છે કે જેમ તમારા આત્મામાં ભગવાન રહ્યા છે તેમ સામેવાળા માણસમાં પણ ભગવાન રહ્યા છે. આપણી કોઈ ક્રિયા એવી ના હોવી જોઈએ જેનાથી સામેવાળાને દુઃખ થાય. આ જ વાસ્તવિક માનવતાવાદી દૃષ્ટિ છે. માણસની હિંસા ને ક્રૂરતાને સમાપ્ત કરવામાં આ દૃષ્ટિ અત્યંત ઉપયોગી છે.
કેમ કે આવો ભક્ત હોય તે કોઈ ઉપર “ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહીં અને માન, મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે; અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહીં.”(વચનામૃત સા.૧૫) આમ, આચરણ જીવનપરિવર્તનનો માર્ગ બતાવવાનું એક ઉત્કૃષ્ટ સાધન છે.
છેલ્લે પ્રવૃત્તિની બાબતમાં ભગવાન સ્વામિનારાયણ સાધકને સાવધ કરતાં લખે છે- “નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે.”આમ, આજ્ઞા બહાર પ્રવૃત્તિ કરે તો તે વ્યવહારમાંથી કોઈ કાળે છૂટી શકે નહીં.