વલ્લભીપુરમાં થયેલી યુવાનની હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદ : ચાર નિર્દોષ

57

ત્રણ વર્ષ પૂર્વે વલ્લભીપુર ગામે ભાવનગર શહેરના અધેવાડા ગામે રહેતા યુવાનની થયેલી હત્યા કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામેને કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ચારને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓ રણજીતભાઇ ઉર્ફે કટી કેસાભાઇ જીલીયા, મહેન્દ્રભાઇ ઉર્ફે વિશાલ કાંતિભાઇ વાઘેલા, કેશુભાઇ ઉર્ફે કેસાભાઇ માવજીભાઈ જીલીયા, અજયભાઇ કેશુભાઇ ઉર્ફે કેસાભાઇ જીલીયા, ધનજીભાઇ માવજીભાઇ જીલીયા (રહે. નં. ૧ થી ૪ જાળીલા, તા. રાણપુર, જિ.બોટાદ. આરોપી નં.૫ હાલ રહે. ધર્મજ ખઢાણ રસ્તે, ખરબામાં વાહદેવડી પાસે, તા.પેટલાદ, જિ.આણંદ) અને ગુજરનાર મનીષભાઇ પરમાર સગા સંબંધી થતા હોય તેમનાં સાળાના લગ્નસંબંધે ગુજરનાર તેની પત્નીનાં પિયરમાં ગત ૨૮-૨-૨૦૧૯ માં વલ્લભીપુર માં લીંબડાના ઢાળ પાસે ફૂલેકુ રાત્રે ૮ઃ૩૦ કલાકે પુરૂ થતા મરણજનાર મનીષભાઇ હિંમતભાઇ પરમાર (ઉ.વ.૨૩, રહે. અધેવાડા, ભાવનગર) વાળાએ બેન્ડવાજા વગાડવાનુ કહેલ તે વેળાએ ઉક્ત આરોપીઓએ બેન્ડવાજા વગાડવાની ના પાડતા બંન્ને વચ્ચે લડાઇ ઝઘડો થતા ઉક્ત આરોપીઓએ મરણજનાર ઉપર હુમલો કર્યો હતો. આરોપી પૈકી રણજીતભાઇ કેશાભાઇ જીલીયા પાસે કુંડલી વાળી લાકડી હતી તેનો એક ઘા મારતા જેમા મનીષભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનાર ના પત્ની ભાવુબેન મનીષભાઇ પરમારે ઉક્ત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વલ્લભીપુર પોલીસે તમામ સામે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુનો નોંધાયો હતો.આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેસન્સ જજ ઝંખનાબેન ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશ પંડયા, ધ્રુવ મહેતા તથા ફરીયાદ પક્ષે વિથપ્રોસીક્યુશન એડવોકેટ એમ.કે.લાલાણી સહિતનાની દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી અદાલતે મુખ્ય આરોપી રણજીતભાઇ ઉર્ફે કટી કેસાભાઇ જીલીયાનાઓને ઇપીકો કલમ ૩૦૨ મુજબના ગુના સબબ આજીવન કેદની સજા જ્યારે અન્ય ચાર આરોપીઓને નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleભાવનગરમાં દિવ્યાંગજનો માટેની રમતગમત સ્પર્ધા શરૂ, 279 દિવ્યાંગ સ્પર્ધકો ભાગ લેશે
Next articleપત્નીના હત્યારા પતિ અને તેના મિત્રને આજીવન કેદ