સ્વ.નિલાબેન લાભુભાઈ સોનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને પુસ્તક વિમોચન અને પ્રકાશન સમિતિ દ્વારા તા.૨૦ને બુધવારનાં રોજ નિલાબેનની માતૃશાળા એવી તરસમિયા પ્રાથમિક શાળા ખાતે જાણીતા કવિ કૃષ્ણ દવેનાં વરદ હસ્તે લાભુભાઈ સોનાણી લિખિત “યાત્રાનો આનંદ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર કીર્તિબેન દાણીધારિયા, મૂકેશભાઈ ઓઝા, ડીન ડૉ.હેમંતભાઈ બી. મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકનાં પાને-પાને લાભુભાઈ સોનાણીએ તેમણે વિતાવેલા ૨૫ વર્ષનાં દાંપત્ય જીવનનાં પ્રસંગો ભાષાના અવનવા રંગો સાથે મુક્યા છે. આ પ્રસંગે અંધઉદ્યોગ શાળાનાં કલાવૃંદે પોતાની કલાનાં રંગો પાથરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ તરસમિયા પ્રાથમિક શાળાનાં બાળકોએ શ્રીમદ્ ભાગવદ ગીતાનાં ૧૫માં અધ્યાયનું ગાન કર્યું હતું.
ભાવનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકો માટે આગામી શૈક્ષણિક સત્રમાં “યાત્રાનો આનંદ” પુસ્તકનાં પ્રસંગો પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેમજ તરસમિયા પ્રાથમિક શાળાનાં ધો.૫ થી ૮નાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને દર વર્ષે એવોર્ડ અને રોકડ પુરસ્કાર લાભુભાઈ સોનાણી અને મુકેશભાઈ ઓઝા તરફથી સંયુક્ત રીતે આપવામાં આવશે.