નવીદિલ્હી,તા.૨૩
દેશના ઘણા રાજ્યોમાં માર્ચના મધ્યથી પડતા ધકધકતા તાપના કારણે વધતી માંગ અને તેની વચ્ચે સર્જાયેલી કોલસાની અછતને કારણે વીજળીની અછત સર્જાઈ છે. આ કારણે સાત રાજ્યોમાં કલાકો સુધી વીજ કાપ મૂકવાની ફરજ પડી છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગ ચરમસીમા પર હોય છે, પરંતુ કોલસાની અછતને કારણે ઘણા રાજ્યોમાં સંકટ ઘેરી બન્યું છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં માર્ચના મધ્યભાગથી ગરમી વધી હતી. જેના કારણે આ રાજ્યોમાં વીજળીની માંગ સંપૂર્ણ રીતે વધી ગઈ છે. આવી સ્થિતિમાં, આ રાજ્યોએ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર માટે પાવર સપ્લાય પ્રોગ્રામને ફરીથી શેડ્યૂલ કરવો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં દેશના કેટલાક રાજ્યોને ભારે વીજ સંકટનો સામનો કરવો પડશે. દેશમાં એપ્રિલના પહેલા પખવાડિયામાં વીજળીની માંગ ૩૮ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. આ દરમિયાન યુક્રેન સંકટને કારણે આયાતી કોલસાના પુરવઠાને અસર પડવા લાગી છે. જેના કારણે દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાનો સ્ટોક ઝડપથી ખતમ થવા લાગ્યો છે.સામાન્ય રીતે કોલસાના પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવા માટે ૨૬ દિવસનો સ્ટોક જરૂરી છે, પરંતુ કોલસાથી સમૃદ્ધ રાજ્યો સિવાય અન્ય રાજ્યોમાં ભારે અછત સર્જાઈ છે. રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો તે ઘટીને ૩૬ ટકા પર આવી ગયો છે. બંગાળમાં કોલસાનો સ્ટોક સામાન્ય કરતાં ૧ થી ૫ ટકા, રાજસ્થાનમાં ૧ થી ૨૫ ટકા, યુપીમાં ૧૪ થી ૨૧ ટકા અને મધ્યપ્રદેશમાં ૬ થી ૧૩ ટકા જ રહી ગયો. દેશમાં રાષ્ટ્રીય સરેરાશ સ્ટોક પણ ગયા સપ્તાહે સામાન્ય સ્તરથી બે ટકા ઘટીને ૩૬ ટકા રહી ગયો હતો. દેશમાં પીક અવરમાં વીજળીની હાલ કુલ માંગ ૧,૮૮,૫૭૬ મેગાવોટ જણાવવામાં આવી રહી છે. આમાં માત્ર ૩૦૦૨ મેગાવોટની જ ઘટ જણાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ઘણા રાજ્યોમાં ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કાપ મૂકવાની ફરજ પડી રહી છે. આ જ કારણ છે કે રાજ્યો કેન્દ્ર પાસેથી વધારાની વીજળી માંગી રહ્યા છે. મધ્યપ્રદેશ અને પંજાબ પણ કેન્દ્ર પાસે વધુ વીજળીની માંગ કરી રહ્યા છે. તો ૧૦ વર્ષમાં પ્રથમ વખત હરિયાણાએ તેના થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાની આયાત કરવાનો નિર્ણય લીધો છે.