નવનીત રાણાના ઘરે શિવ સૈનિકોનો જોરદાર હંગામો

57

ખારના સાંસદ નવનીત રાણાના ઘર બહાર હોબાળો, નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે
મુંબઈ, તા.૨૩
મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ’માતોશ્રી’ આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે ૯ઃ૦૦ વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા.ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે. મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ’માતોશ્રી’ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે. તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ’વર્ષા’ની બહાર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના નેતાઓએ રાણા દંપતીને હનુમાન ચાલીસાનો જાપ કરવા મુંબઈ આવવા પડકાર ફેંક્યો હતો. એવી ચેતવણી આપી હતી કે, શિવસૈનિકો દ્વારા તેમને આકરો જવાબ આપવામાં આવશે. આ તરફ દંપતીની જિદ્દને જોઈને ખાર પોલીસે બડનેરાના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા અને તેમના સાંસદ પત્ની નવનીત રાણાને નોટિસ પાઠવી છે. પોલીસની નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા અને રવિ રાણાએ કહ્યું હતું કે, તેઓ વિરોધ સહન કરવા માટે તૈયાર છે પરંતુ પોતાનો નિર્ણય નહીં બદલે. શનિવારે સવારે ૦૯ઃ૦૦ કલાકે ’માતોશ્રી’ જશે. તેમણે કહ્યું હતું કે, ’અમે નથી ઈચ્છતા કે સુરક્ષા વ્યવસ્થા બગડે માટે અમે લોકોને ત્યાં આવવા ના પાડી છે.’ નવનીતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના કારણે જ મુખ્યમંત્રી પદ પર છે પરંતુ હવે તેઓ પોતાની વિચારધારાને ભૂલી ગયા છે. જ્યારે રવિ રાણાએ કહ્યું હતું કે, ’મેં હનુમાન જયંતી વખતે મુખ્યમંત્રીને હનુમાન ચાલીસાના પાઠમાં આમંત્રિત કર્યા હતા પરંતુ તેઓ વિદર્ભ ન આવ્યા.’ મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારના ઘટક એનસીપીએ પણ ધારાસભ્ય રાણાની જાહેરાત મામલે નિવેદન આપ્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેઓ (રાણા) સરકારને અસ્થિર કરવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે આમ કરી રહ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને રામનવમીની ઉજવણી કરવી તે આસ્થાનો વિષય છે, દેખાડો કરવાનો નહીં. તેમણે કહ્યું હતું કે, ’રાણા જેવા લોકો ભાજપ માટે નૌટંકી અને સ્ટંટ કરનારા પાત્ર છે. લોકો આ પ્રકારના સ્ટંટને ગંભીરતાથી નથી લેતા.’ તેમણે રાણા દંપતીને બંટી-બબલી પણ કહી દીધા હતા.
નવનીત-રવી રાણાની મુંબઈ પોલેસ અંતે ધરપકડ કરી
મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ ’માતોશ્રી’ની હનુમાન ચાલીસાનો જાપ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાનમાં મળતા અહેવાલો અનુસાર નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે અગાઉ બપોરના સમયે રાણા દંપતીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને ’માતોશ્રી’ની બહાર નહીં જવાની જાહેરાત કરી હતી. નવનીત રાણાએ આ માટે સવારના ૯ઃ૦૦ વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ તેના પહેલા જ શિવસૈનિકો મોટી સંખ્યામાં તેમના ઘર બહાર પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. ખાર વિસ્તારમાં આવેલા સાંસદ રાણાના ઘરની બહાર આ પ્રકારે હંગામો કરવામાં આવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાનો જાપ કરવા મામલે અડગ હતા. આ તરફ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ’માતોશ્રી’ની બહાર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવી દીધી હતી. રવિ રાણા દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અમરાવતીમાં તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે અને ઘરમાં તેમના બાળકો છે. જો કશું પણ બનશે તો તેના માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર ગણાશે. સાસંદ નવનીત રાણાએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય હતો કે સંકટ મોચન સંકટ દૂર કરે. ઉદ્ધવ ઠાકરેએ અમારા ઘરે ગુંડાઓ મોકલ્યા. શિવસેના ખતમ થઈ ગઈ છે. અસલી શિવસૈનિકો બાળાસાહેબ સાથે જતા રહ્યા. હવે શિવસેના માત્ર ગુંડાઓની જ રહી છે. મુખ્યમંત્રીનું માત્ર એ જ કામ છે કે, કોના સામે શું કાર્યવાહી કરાવવી, કોને જેલમાં પૂરવા અને કોને તડીપાર કરવા. મુખ્યમંત્રી ખેડૂતોની આત્મહત્યા પર ધ્યાન નથી આપતા. વીજળીની સમસ્યા, બેરોજગારી પર ચૂપ રહે છે. અમારો ઉદ્દેશ્ય પૂર્ણ થયો. અમે ’માતોશ્રી’ની બહાર પ્રદર્શન નહીં કરીએ.

Previous articleજો NATO અને રશિયા ટકરાશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે : જર્મની
Next articleનિવૃત કર્મીઓની હક્ક રજાના વળતરમાં ટીડીએસ કાપવા મહાપાલિકા ઉતાવળી થઈ