ગારિયાધારના વેળાવદર ગામમાં ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવનું વિસ્તૃતિકરણની કામગીરી હાથ ધરાઈ

79

ગામનું પાણી ગામમાં રહે તેવાં અભિગમને સાકાર કરતાં ગામ તળાવને ઉંડુ ઉતારવાંની કામ શરૂ કરાયું
ગારિયાધારના વેળાવદર ગામમાં ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવનું વિસ્તૃતિકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં દરેક વિસ્તારમાં ૭૫ તળાવ નિર્માણ થાય તેવો સંકલ્પ લેવાં દેશના નાગરિકોને અપીલ કરી છે તેને આગળ ધપાવતાં નવું તળાવ તો નહીં પરંતુ હયાત તળાવને વધુ ઉંડું કરવાનો અને તેને તેના વિસ્તૃતિકરણની કામગીરી ભાવનગરના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામમાં હાથ ધરવામાં આવી છે.
ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ બે તળાવો આવેલાં છે. આ તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે વડોદરાનું બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ન્યાલકરણ ગૃપના રમેશ ગોળવિયા, શૈલેષ ગોળવિયા, પ્રવિણભાઇ વગેરેએ ગામના નવીનીકરણ માટે ખૂબ મહત્વનું યોગદાન આપેલું છે. ગામના વિકાસ માટે તેઓએ પોતાના ખર્ચે ‘ગામનું પાણી ગામ’માં રહે તેવાં અભિગમને સાકાર કરતાં ગામ તળાવને ઉંડુ ઉતારવાં માટે રોજનો લગભગ ૪૦ હજાર જેટલો ખર્ચ પોતાની રીતે કરી રહ્યાં છે. આ કાર્ય છેલ્લા ૮ દિવસથી ચાલુ છે અને હજુ ૨૦ થી ૨૫ દિવસ ચાલશે. એટલે કે આ કાર્ય માટે અંદાજે રૂા.૮ થી ૯ લાખનો ખર્ચ થશે. સમગ્ર ગામના લોકો તેમની આ પ્રવૃત્તિને બિરદાવી તેમના ગામ માટેના આ કાર્ય માટે સહભાગી બની રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તેમનાં દ્વારા શાળાના નવીનીકરણ, ગામ વિકાસ તથા અન્ય વિકાસ કાર્યોમાં પણ ખૂબ મોટો આર્થિક સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે. અનેક પ્રકારના પ્રકલ્પોમાં પોતાનો લાખો રૂપિયાનું યોગદાન આપીને પોતાની ધનસંપત્તિને જનસમુદાયના વિકાસ અને સુખ માટે વાપરીને વતન માટેનું ઋણ અદા કર્યું છે. ઉનાળાની સીઝન હાલ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પહેલા પાણીના પ્રશ્નો સર્જાતાં હતાં પરંતુ નર્મદા મૈયાના નીર આજે જિલ્લાના પગ પખાળીને બોર તળાવમાં કલકલ કરતાં વહી રહ્યાં છે. આ ઉપરાંત જિલ્લાના નાનામોટા ડેમ પણ નર્મદાના પાણીને લીધે ખાલીખમ થયાં નથી. રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનને કારણે જિલ્લાના ઘણાં તળાવો આજે પાણીથી ભરેલાં છે. લોકોને પીવાનું પાણી અને સાથે સાથે ખેતરમાં સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પાણીને પ્રસાદ સમજીને વરસાદ રૂપે વરસેલાં પાણીનું ટીંપે- ટીંપુ જમીનમાં ઉતરે અને ધરતી માતાની તપ્ત ધરાંની તૃષા છીપાય તે માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરી રહી છે ત્યારે આવાં નાના પણ મહત્વપૂર્ણ કામોથી ધરાં પરનાં જલાવરણમાં ચોક્કસ વધારો થશે.

Previous articleનિવૃત કર્મીઓની હક્ક રજાના વળતરમાં ટીડીએસ કાપવા મહાપાલિકા ઉતાવળી થઈ
Next articleહિરા ઉદ્યોગ ‘મંદીના ખપ્પરમાં’