સિહોર તાલુકાના કૃષ્ણપરા વિવિધ સંશોધનોની જાણકારી સાથે સરકારની યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવા અંગે કૃષ્ણપરા ખાતે શાકભાજી સાથે કૃષિ ઉત્પાદન અંગે યોજાયેલ શિબિરમાં માર્ગદર્શન અપાયું છે. શાકભાજી સાથે ખેતીવાડીના વિવિધ પાક, તેની માવજત, બિયારણ પસંદગી સંદર્ભે સિહોર તાલુકાના કૃષ્ણપરા ખાતે માર્ગદર્શન શિબિરમાં અધિકારીઓ, નિષ્ણાંતો અને પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ભાવનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક વાઘમશીએ આ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં મળીને તમામ કૃષિ પાકો માટે અવકાશ હોવાનું જણાવ્યું. તેઓએ પ્રકૃતિ સાથેની ખેતી જ આપણને બચાવશે તેમ ભારપૂર્વક જણાવ્યું. તેઓએ બાગાયત માટેની સરકારની સહાયક યોજનાઓની વિગતો આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરાના વૈજ્ઞાનિક વિનીત સવાણીએ સરગવાની ખેતી, ટપક સિંચાઈ વગેરેની વિગતો આપી અને એક જ જગ્યા પર એના એ જ પાકના વાવેતરમાં જમીનના પોષક તત્વો ખેંચાઈ જતા હોય પાક ફેરબદલ કરતા રહેવા જણાવ્યું. શાકભાજીના વ્યવસાય સાથે રહેલ જય પેઢીના અભેશંગભાઈ પરમાર તથા હમીરભાઈ વાઘેલાના આયોજન સાથેની આ માર્ગદર્શન શિબિરમાં ભાવનગર જિલ્લાના જુદા જુદા ગામોના ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોએ શાકભાજી પાક ઉત્પાદન સાથે વેચાણ સંબંધી જાણકારી મેળવી હતી.ભાવનગર જિલ્લાના બાગાયત અધિકારી હાર્દિકભાઈ પરમારે બાગાયત યોજનાઓ અંગે, નન્હેંમ્સ પેઢીના શાકભાજીના સુધારેલ બિયારણો સંદર્ભે કપિલ ચૌબેએ, અન્ય ઉદ્યોગોના નફા સાથે ખેતી વ્યવસાયને લઈ જવા બાબત મહેશભાઈ જોષીએ અને અશ્વપાલભાઈ રાઠોડે પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિગતો સાથે માહિતીઓ આપી હતી. આ શિબિરમાં ખેડૂતો સાથે કૃષિસંવાદ પ્રશ્નોત્તરીનો લાભ મળ્યો હતો. સંચાલનમાં મૂકેશ પંડિત રહ્યા હતા.