ભાવનગરમાં ૨૭ દિવસમાં પાણીજન્ય બિમારીના ૫૪૮ કેસ નોંધાતા ફફડાટ

84

ઉનાળાની ગરમીમાં પાણીજન્ય બિમારી વધતા સાવચેતી જરૂરી : ઝાડાના ૫૨૬ અને કમળાના ૭ કેસ નોંધાયા : ટાઇફોઇડના ૯૮૧ સેમ્પલ લીધા, ૧૫ પોઝિટિવ
ભાવનગર
દર વર્ષે ઉનાળાની ગરમીમાં પાણીજન્ય બિમારીના કેસ વધતા હોય છે, હાલ આવુ જ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યુ છે. ભાવનગર શહેરમાં ર૭ દિવસમાં પાણીજન્ય બિમારીના પ૪૮ કેસ નોંધાયા હોવાનુ જાણવા મળેલ છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગરમીના પગલે હજુ પાણીજન્ય બિમારીના કેસ વધવાની શકયતા છે. ભાવનગર શહેરમાં છેલ્લા દોઢ માસથી આકરી ગરમી પડી રહી છે અને કેટલીકવાર તાપમાન ૪૧ ડિગ્રી કરતા પણ વધી જાય છે તેથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીના કારણે પાણીજન્ય બિમારીના કેસ ભાવનગર શહેરમાં વધ્યા છે. છેલ્લા ર૭ દિવસમાં ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના પ૪૮ કેસ મહાપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. ગત તા. ૧૪ માર્ચથી ગત તા. ૯ એપ્રિલ સુધીમાં પ૪૮ કેસ નોંધાયા છે, જેમાં ઝાડાના પર૬ અને કમળાના ૭ કેસનો સમાવેશ થાય છે. ટાઇફોઇડના ૯૮૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧પ સેમ્પલ પોઝિટિવ આવેલ છે. ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોઇડના કેસ વધતા દવાખાનામાં દર્દીઓની ભીડ જોવા મળતી હોય છે. ઉનાળામાં આકરી ગરમી પડવાના કારણે, જુદા જુદા સ્થળે પાણી પીવાના કારણે તેમજ બહારનુ ખાવાના કારણે મોટાભાગે પાણીજન્ય બિમારી થતી હોય છે ત્યારે લોકોએ હાલ ખાવા-પીવામાં તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. હજુ ગરમીના કારણે આગામી દિવસોમાં પાણીજન્ય બિમારીના કેસ વધવાની સંભાવના છે ત્યારે લોકોએ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. આ આંકડા માત્ર મહાપાલિકાના આરોગ્ય વિભાગના છે ત્યારે ખાનગી દવાખાના આંકડા હજુ વધુ હોવાની શકયતા છે તેમ જાણકારો જણાવી રહ્યા છે.
પાણીજન્ય બિમારીના કેસ વધતા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા
ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસ વધતા સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાયા રહ્યા હોય તેમ જણાય રહ્યુ છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગમાં ર૭ દિવસમાં પ૪૮ પાણીજન્ય બિમારીના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ તેમજ સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પાણીજન્ય બિમારીના ઘણા કેસ હોવાનુ જાણવા મળેલ છે પરંતુ આ આંકડો સત્તાવાર જાણવા મળેલ નથી. આશરે ૧પ૦૦થી વધુ કેસ હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

પાણીજન્ય બિમારીથી બચવા બહારનુ ખાવા-પીવાનુ ટાળવુ જરૂરી
ભાવનગર શહેરમાં હાલ પાણીજન્ય બિમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે પાણીજન્ય બિમારીથી બચવા માટે લોકોએ બહારનુ ખાવા-પીવાનુ ટાળવુ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં પણ લોકો આડેધડ બહારનુ ખાતા-પીતા હોય છે અને પાચન નહી થવાના કારણે બિમાર પડતા હોય છે. પાણીજન્ય બિમારીથી બચવા માટે લોકોએ ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.

Previous articleસંશોધન સાથે સરકારની યોજનાઓ સાથે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય
Next articleસિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ