ચૈત્રી દનૈયા તપતા સારા ચોમાસાની આશા

53

સતત ત્રણ દિવસથી ૪૦ડિગ્રી ઉપરના તાપમાનથી નગરજનો ત્રસ્ત, હજુ એક સપ્તાહ હીટવેવની આગાહી
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સુર્યનારાયણ પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા હોય તેમ આકાશમાંથી અગન ગોળા વરસાવી રહ્યા હોય તેમ તાપમાન સતત ૪૦ ડિગ્રીએ યથાવત રહેવા પામ્યુ છે. આગામી દિવસોમાં હજુ એક સપ્તાહ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરિણામે હજુ ગરમીમાં વધારો થશે. તો બીજી તરફ ચૈત્રી દનૈયા તપતા આગામી ચોમાસું સારૂ જવાના સંકેતો પણ મળી રહ્યા છે.
ઉનાળાના પ્રારંભે ગરમીનુ પ્રમાણ ઓછું રહ્યું હતું વાતાવરણમા આવેલા પલટાથી ગરમીમાં રાહત થવા પામી હતી પરંતુ ચૈત્રી દનૈયા શરૂ થયા અને સતત ત્રણ દિવસથી તાપમાન ૪૦ ડિગ્રી રહેતા કાળઝાળ ગરમીનો લોકોએ અનુભવ કર્યો છે. જેના કારણે દિવસ દરમિયાન લોકો કામ સિવાય બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે. દિવસ દરમિયાન ખાસ કરીને બપોરના સમયે તો સ્વયંભૂ કર્ફયુની માફક રસ્તા પર ખુબ ઓછા લોકો જોવા મળે છે. બપોરના સમયે તો રસ્તા પરથી રીતસરની ગરમ લૂ ફૂકાઇ રહી હોય છે અને અંગ દઝાડતી ગરમી પડી રહી હોય શહેરમાં લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં એન્ટી સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ રહ્યું હોય આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમ્યાન ગરમ સુકા પવનનુ જોર વધુ રહેશે જેના કારણે ગરમીમાં પણ વધારો થશે આથી વડીલો તથા નાના બાળકોએ તો બપોરના સમયે બહાર નિકવાનુ ટાળવુ હિતાવહ છે. જયારે સામાન્ય લોકોએ પણ ગરમીના દિવસોમાં કારણ વિના બહાર ન નિકળવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે અને ગરમીથી બચવા પાણીનો વધુ માત્રામાં ઉપયોગ કરવા અને સુતરાઉ કપડાં પહેરવા સલાહ આપવામાં આવી છે.

Previous articleચિત્રકુટ ધામ? તલગાજરડા ખાતે ગ્રંથાર્પણ
Next articleકાળઝાળ ગરમીમાં વિજ કંપની દ્વારા અપાશે પાવરકાપનો ઝટકો