મુંબઈ, તા.૨૫
એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ RRR બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને વર્લ્ડવાઈડ ૧ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગણે કેમિયો કર્યો છે. ઇઇઇ રિલીઝ થયાના થોડા દિવસ બાદ ફિલ્મમાં પોતાનો રોલ સાવ નાનો રખાયો હોવાથી આલિયા ભટ્ટ રાજામૌલીથી નારાજ હોવાના રિપોર્ટ્સ હતા. આ સિવાય તેણે ગુસ્સામાં આવીને ફિલ્મને લગતી તમામ પોસ્ટ ડિલિટ કરી દીધી હોવાનું પણ કહેવાયું હતું. જો કે, એક્ટ્રેસે તરત જ સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને વાતમાં કંઈ સત્ય ન હોવાની સ્પષ્ટતા કરી હતી. હાલમાં, રાજામૌલીએ અફવા પર પ્રતિક્રિયા આપી હતી અને ફરીથી તેઓ આલિયા સાથે કામ કરવાનું પસંદ કરશે તેમ જણાવ્યું હતું. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ હંગામા સાથે વાતચીત કરતાં રાજામૌલીએ જણાવ્યું હતું કે, ’જો તમારી ફિલ્મ અંગે કોઈ અફવા ન વહેતી થાય તો, ખરેખર તમારે ચિંતા કરવાની જરૂર છે. એકવાર ફિલ્મ લોકો પર પ્રભાવ પાડવાનું શરૂ કરી દે ત્યારબાદ જ અફવા ફેલાતી હોય છે’. આલિયા ભટ્ટ વિશે વાત કરતાં એસએસ રાજામૌલીએ તેની એક્ટિંગના વખાણ કર્યા હતા અને ઉમેર્યું હતું કે, ’હું ફરીથી તેની સાથે કામ કરવા તરફ જોઈ રહ્યો છું. મને ખાતરી છે કે તેણે મારી વિશે પણ આમ જ કહ્યું હશે. ફિલ્મમાં મારી પાસે તેની માટે મોટો રોલ નહોતો. મારો મતલબ લાંબો રોલ નહોતો. પરંતુ સ્ટોરી જ એવી છે. એવું નથી કે અમે વિચાર્યું કે ચાલો મોટો રોલ બનાવીએ અને પછી તેને કટ કરી દીધો. અમે પહેલાથી તે રોલ નાનો હોવાનું જાણતા હતા. પરંતુ તે મહત્વનો રોલ હતો, જેણે બે ફોર્સને (રામ ચરણ અને જુનિયર એનટીઆર) ભેગી કરી હતી. આ જ વાત મેં તેને કહી હતી અને તે સમંત થઈ હતી. એક્ટર-ડિરેક્ટર તરીકે સાથે કામ કરવાની અમને મજા આવી’. અગાઉ, આલિયા ભટ્ટે અફવા પર સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે, ’મારે સાંભળવામાં આવ્યું છે કે, મેં ઇઇઇ સાથે જોડાયેલી પોસ્ટ એટલા માટે ડિલિટ કરી દીધી કારણ કે હું ટીમથી નારાજ છું. હું તમને વિનંતી કરું છું કે, ઈન્સ્ટાગ્રામ ગ્રિડની જેમ રેન્ડમ બાબતોને લઈને ખોટી ધારણા ન બાંધો. હું હંમેશા મારા જૂના વીડિયો પોસ્ટને પોતાની પ્રોફાઈલ ગ્રિડ પર ઠીક કરતી રહું છું. હું ઈચ્છું છું કે, તે ઓછું અવ્યવસ્થિત દેખાય. હું હંમેશા આભારી રહીશ કે મને ઇઇઇની દુનિયાનો ભાગ બનવાની તક મળી અને મને સીતાનું પાત્રને ભજવીને સારું લાગ્યું. રાજામૌલી સરના ડિરેક્શનમાં કામ કરવાનું સારું લાગ્યું, તારક અને ચરણની સાથે કામ કરવાની મજા આવી. આ ફિલ્મથી જોડાયેલો દરેક અનુભવ શાનદાર રહ્યો’.