ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યૂથ ક્લબના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રાજસ્થાન હોસ્પિટલના સહયોગથી આયોજિત “ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ”માં આશરે ૨૦૦ જેટલા નાગરિકોએ તેમના હેલ્થનું ચેકઅપ કરાવ્યુ હતું. આ સાથે ઈંડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી યોજાયેલ “હેપ્પી રક્તદાન શિબિર”માં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ આરોગ્ય વિષયક કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલ, કોર્પોરેટર્સ પાયલબેન મેણાત, હિરલબેન જોશી, રાકેશભાઈ પટેલ, હર્ષાબા ધાંધલ, નીલાબેન શુક્લ તથા અગ્રણીઓ જીલુભા ધાંધલ, ઉર્પલભાઇ જોશી, વિનોદભાઇ મેણાત, સુકેતુ મેહતા, જયેન્દ્રભાઈ પરીખ, કડવા પાટીદાર અગ્રણીઓ ભોળાભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, અરવિંદભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આજના યુગમાં આરોગ્ય સંબંધિત સેવાઓ ખૂબ મોંધી થતી જાય છે જેના કારણે સામાન્ય વર્ગનો નાગરિક ખૂબ પરેશાની ભોગવે છે. હેપ્પી યૂથ ક્લબ આયોજિત “ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ”માં અમદાવાદની ખ્યાતનામ રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા કેમ્પના લાભાર્થીઓને હ્રદયને લગતી બીમારી, હાડકાંને લગતા રોગો, પેટ, આંતરડા અને લીવરની બીમારી તેમજ તેને સંબંધિત તકલીફો, મગજ, કરોડરજ્જુ અને મણકાના રોગો ઉપરાંત નાક, કાન, ગળાના રોગોની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી. આ સાથે કેમ્પના લાભાર્થીઓને ઈસીજી, બ્લડસુગર વગેરે ટેસ્ટ પણ સ્થળ પર વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
આ “ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ”માં રાજસ્થાન હોસ્પિટલના હ્રદય રોગના નિષ્ણાત ડો.તરુણ દવે, મગજ-કરોડરજ્જુ અને મણકાના નિષ્ણાત ડો. કૈરવ શાહ, પેટ-લીવર તેમજ આંતરડાના કેન્સર નિષ્ણાત ડો. નયન પંચોટિયા, હાડકાના રોગો તથા જોઇન્ટ રિપ્લેસમેંટ નિષ્ણાત ડો. કાંતિલાલ જૈન અને કાન-નાક-ગળાના નિષ્ણાત ડો. સુનિલ શર્મા સહિત તેમની સહયોગી ટીમ દર્દીઓને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી. સમગ્ર હેલ્થ ચેકઅપ કેમ્પમાં રાજસ્થાન હોસ્પિટલના માર્કેટિંગ અધિકારી હિરેન પ્રજાપતિએ સંચાલનની જવાબદારી ઉઠાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની ટીમે સેવાઓ પૂરી પાડી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલા કોર્પોરેટર્સ હર્ષાબા ધાંધલ તેમજ નીલાબેન શુક્લ સહિત યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં હેપ્પી યૂથ ક્લબના યુવા સ્વયસેવકોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.