કોરોનાથી બચવા માટે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી હોવાની ડબલ્યુએચઓની ચેતવણી
નવી દિલ્હી,તા.૨૬
ભારતમાં કોરોના વાઇરસના નવા કેસોએ એકવાર ફરીથી માથુ ઉંચક્યું છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૫૪૧ નવા કેસો સામે આવ્યા છે. આ સિવાય દેશમાં એક્ટિવ કેસ વધીને ૧૬,૫૨૨ થઇ ગયા છે. એટલું જ નહીં, સોમવારે કોરોનાના કારણે ૩૦ લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં હવે મૃતકોની સંખ્યા ૫,૨૨,૨૨૩ થઇ ગઇ છે. દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં એક હજારથી નવા કેસો સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસોને કોરોનાની ચોથી લહેરતરીકે જોવામાં આવી રહી છે. સૌથી પહેલાં બાળકો પર આક્રમણ કરતો કોરોના હવે આ લહેરમાં યુવાનોથી લઇને પ્રૌઢ સુધીને અસર કરી રહ્યો છે. એશિયા અને યુરોપના અનેક દેશોમાં ચોથી લહેર ભારત પહેલાં જ જોવા મળી ગઇ હતી. કોરાના આ વખતે વધુ ઘાતક થઇને પરત ફર્યો છે એવું કહી શકાય. આ વખતે કોરોનાના એમિક્રોન અને એક્સઇ જેવા વેરિએન્ટના ભય વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કોરોનાને લઇને ચેતવણી જાહેર કરી છે. એનબીટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું કે, કોરોનાથી બચવા માટે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલમાં ભારત સહિત અનેક દેશોમાં મુખ્ય છે. આ સિવાય અન્ય વેરિએન્ટ્સ જેમ કે, એક્સઈ, બીએ.૪ અને બીએ.૫ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. આ તમામમાંથી એક્સઇ વેરિએન્ટમાં સૌથી ઝડપથી ફેલાવાની ક્ષમતા છે.સ્વામીનાથને ભારપૂર્વક કહ્યું કે, કોરાના વાઇરસ હવામાં પ્રસારિત થતો વાઇરસ છે જેમાં બંધ, ખરાબ વેન્ટિલેશનવાળા ભીડવાળા સ્થાનોમાં જોખમ છે. તેથી અત્યાર સુધી કોવિડનું જોખમ યથાવત છે અને સાવધાનીના પગલાં અત્યંત જરૂરી છે.ફિટિંગ માસ્ક પહેરવાથી જોખમમાં થોડો ઘટાડો કરી શકાય છે. આ સિવાય જે લોકોને શ્વાસની બીમારીના લક્ષણ છે તેઓ ઘરે જ રહે અને સતત હાથ ધોતા રહેવું જોઇએ. સંક્રમણ વધવા પર સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને કડક રીતે અમલમાં મુકવા જોઇએ.આ નાજૂક સમયમાં વાઇરસના પ્રસારણને અટકાવવા માટે તમામ કોવિડ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ડબલ્યૂએચઓ નિષ્ણાતે પણ એવો સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં લોકડાઉન જેવા ઉપાયોની આવશ્યકતા તો નથી, પણ સાવધાનીના ભાગરૂપે લોકોએ માસ્ક ચોક્કસથી પહેરવું જોઇએ.
તેઓએ જણાવ્યું કે, સમયની સાથે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, ત્યાં સુધી જે લોકોએ એમિક્રોનની રસી લીધી છે તેઓમાં પણ કોરોના ફરીથી થવાનું જોખમ રહેલું છે. જો કે, રસીકરણ આ બીમારીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.