બાળકોમાં હિપેટાઇટીસના કેસ વધ્યા : આરોગ્ય અધિકારીઓ આ બાબતે ખાસ ચિંતિત છે, કારણ કે આ કેસ હેપેટાઈટીસ છ, A, B, C, D અને E વાયરસ સાથે જોડાયેલા નથી
નવી દિલ્હી,તા.૨૬
છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં રોગોનું ચક્ર ચાલી રહ્યું છે. માનવી હજુ સુધી એક રોગનો સામનો કરવામાં પણ સફળ નથી થયો કે બીજો નવો રોગ માથું ઉચકે છે. આ વખતે વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોના માથે હેપેટાઈટીસના ગંભીર કેસ સામે આવી છે. હેપેટાઈટીસ એ લીવરનો રોગ છે જેમાં લીવરમાં સોજો આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તાજેતરમાં ૧૩૦ થી વધુ નવા પ્રકારના હેપેટાઈટીસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના બ્રિટનના છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બ્રિટનમાં રહસ્યમય વાયરસથી થતા હેપેટાઇટીસના ૧૦૮ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસ બાળકોના છે. આ સિવાય અમેરિકા, ઈઝરાયેલ, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્પેનમાં પણ રહસ્યમય વાયરસથી થતા હેપેટાઈટીસના કેસ નોંધાયા છે. હેપેટાઈટીસના આ કેસો એટલા ગંભીર છે કે ઘણા બાળકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટનો સામનો પણ કર્યો છે. તબીબી જગત સાથે સંકળાયેલા લોકો પણ આ મામલાઓને લઈને ચિંતિત છે કારણ કે સામાન્ય વાયરસના કારણે આવું નથી થઈ રહ્યું. વાયરસ A, B, C, D અને E સામાન્ય રીતે હેપેટાઇટિસ માટે જવાબદાર હોય છે. જોકે, બાર્સેલોનામાં હિપેટોલૉજીના પ્રોફેસર અને યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઑફ ધ લિવર પબ્લિક હેલ્થ કમિટીના વડા મારિયા બૂટી કહે છે કે જો કે હેપેટાઇટીસના આ કેસ હજુ પણ બહુ ઓછા છે. પરંતુ આ તમામ બાળકો સંબંધિત છે, તેથી આ બાબત ગંભીર છે. હેપેટાઈટીસના આ કેસો અંગે, પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડના ડાયરેક્ટર જિમ મેકમિનામાને જણાવ્યું હતું કે એડીનોવાઈરસનું નવું મ્યુટન્ટ હેપેટાઈટીસને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે કે કેમ તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો હવે અભ્યાસ કરી રહ્યા છે કે શું આ સમસ્યા અન્ય કોઈ વાયરસ સાથે ભળવાને કારણે વધુ ગંભીર બની રહી છે. નિષ્ણાતો કોવિડ-૧૯ સાથે પણ આ વાયરસ થવાની શક્યતાઓ શોધવામાં વ્યસ્ત છે. જો કે, કોરોના રસીના કારણે ગંભીર હેપેટાઇટીસની શંકાને ફગાવી દેવામાં આવી છે. કારણ કે ઈંગ્લેન્ડમાં જે બાળકો આ રોગથી પ્રભાવિત થયા છે તેઓ રસીકરણની ઉંમરમાં આવતા નથી. તેની પાછળનું એક કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સતત સામાજિક એકલતાના કારણે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. જેના કારણે હેપેટાઈટીસ રોગની ગંભીરતા વધી રહી છે.