ટ્રેડિંગના છેલ્લા બે દિવસના ઘટાડા બાદ બજાર ઊંચકાયું : બીએસઈના તમામ ૩૦ શેરોમાં ઉછાળો, બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૦.૭ થી ૧.૫ ટકા વધ્યા
મુંબઈ,તા.૨૬
મંગળવારે શેરબજારના રોકાણકારોમાં લાભદાયી રહ્યું હતું. લીલા નિશાન પર ખુલ્યા બાદ બજારના બંને સૂચકાંકો દિવસભર જોરશોરથી વેપાર કરતા રહ્યા અને અંતે મજબૂત ઉછાળા સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરવાળો સેન્સેક્સ ઇન્ડેક્સ ૭૭૭ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકાના ઉછાળા સાથે ૫૭,૩૫૭ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૨૪૭ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકાના વધારા સાથે ૧૭,૨૦૧ પર બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે, બીએસઈના તમામ ૩૦ શેરોમાં ઉછાળો જોવા મળ્યો. ઓટો, રિયલ્ટી અને પાવર ઇન્ડેક્સમાં બેથી ત્રણ ટકાના વધારા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૦.૭ થી ૧.૫ ટકા વધ્યા છે. અગાઉ, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજાર બે દિવસની મંદીમાંથી રિકવર થતાં લીલા નિશાન પર ખુલ્યું હતું. સમાપ્તિ સમયે, લગભગ ૧૮૮૬ શેર વધ્યા, ૧૪૨૨ શેર ઘટ્યા અને ૧૦૮ શેર યથાવત રહ્યા.
મંગળવારે બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ અને એમએન્ડએમ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે ઓએનજીસી, એપોલો હોસ્પિટલ્સ, એક્સિસ બેન્ક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઇન્ટ્સ ઘટ્યા હતા. અગાઉ, બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ ૫૩૪ પોઇન્ટ અથવા ૦.૯૪ ટકાના વધારા સાથે ૫૭,૧૧૪ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઇન્ડેક્સ ૧૬૮ પોઇન્ટ અથવા ૦.૯૯ ટકાના વધારા સાથે ૧૭,૧૨૨ પર ખુલ્યો હતો. બજાર ખૂલતાંની સાથે જ લગભગ ૧૭૩૯ શૅર વધ્યા હતા, ૩૨૨ શૅર ઘટયા હતા અને ૬૦ શૅર યથાવત રહ્યા હતા. સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ ઇન્ડેક્સ ૬૧૭ પોઇન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૫૬,૫૮૦ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૮ પોઇન્ટ અથવા ૧.૨૭ ટકા ઘટીને ૧૬,૯૯૪ પર બંધ થયો હતો. અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને શુક્રવાર અને સોમવારના ઘટાડામાં રોકાણકારોના રૂ. ૬,૪૭,૪૮૫ કરોડનું નુકસાન થયું હતું. આનાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. ૨,૬૫,૨૯,૬૭૨ કરોડ થઈ હતી.