ભાવનગર નવા બંદરે દિવાળી સુધીમાં નવી જેટી કાર્યરત થઈ જશે, એક સાથે ત્રણ બાર્જ બર્થ થશે

80

૨૭૦ મીટરની જેટીના નિર્માણમાં બે ફેઝમાં કામ સંપન્ન, અંતિમ તબક્કાનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ થવા વકી
વિશાળ દરિયાઈ તટ સાથે વિશેષ પ્રકારની તકના કારણે ભાવનગરમાં બંદર વર્ષોથી ધમધમતું રહ્યું છે, રાજવીકાળમાં શાસકોની દીઘર્દ્રષ્ટિના કારણે ભાવનગર બંદર પર જેટીનું નિર્માણ થયું હતું જે જર્જરિત થતા હવે તેના સ્થાને એટલી જ લંબાઈની નવી જેટી બની રહી છે, જેનું કામ જેટ ગતિએ આગળ ધપી રહ્યું છે. સંભવ છે કે દિવાળી સુધીમાં નવી ભેટ મળી જશે. વધુમાં નવી જેટીના નિર્માણથી હવે એક સાથે ત્રણ બાર્જ લાગી શકે તેવી સુવિધા ઉમેરાશે. જૂની જેટીમાં બે બાર્જની ક્ષમતા હતી.
ગુજરાત મેરિટાઇમ બોર્ડના ભાવનગર ખાતેના બારમાસી બંદરને પુનઃ ધમધમતુ કરવાના પ્રયાસરૂપે કોંક્રિટ જેટીનું તેના અસ્તિત્વના ૮૪ વર્ષ બાદ પાયાથી પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૨૬ કરોડના ખર્ચે નવા બંદરે તદ્દન નવી કોંક્રિટ જેટી બનાવવામાં આવી રહી છે. ભાવનગરના નવા બંદર પર નાના જહાજ, બાર્જને બર્થ કરાવવા માટે હાલ બેસિનની દક્ષિણ બાજુએ આરસીસીની કોંક્રિટ જેટી આવેલી છે. આ જેટીનું નિર્માણ વર્ષ ૧૯૩૭માં કરવામાં આવ્યુ હતુ અને તેની લંબાઇ ૨૬૮.૮૦ મીટર અને પહોળાઇ ૧૨.૮૦ મીટર છે.આ જેટીને સમયાંતરે જરૂરીયાત મુજબ મરામત તથા રીસરફેસિંગ કરાવવામાં આવતુ હતુ. પરંતુ આ કોંક્રિટ જેટી હવે પાયાથી હલબલી ઉઠી હતી, અને કાર્ગોની નોંધપાત્ર આવકને ધ્યાનમાં રાખીને જીએમબીએ અહીં તદ્દન નવી જેટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. એપ્રિલ ૨૦૨૧થી નિર્માણ હાથ ધરી બે ફેઝમાં કામ પૂર્ણ થયું છે જયારે ત્રીજા અને અંતિમ ફેઝનું નિર્માણ દિવાળી સુધીમાં પૂરું થવા વકી હોવાનું જીએમબીના સિવિલ એન્જીનીયર નિતેશ ટોન્ડાએ જણાવ્યું હતું. નવી જેટીના નિર્માણ સાથે કાર્ગો હેન્ડલિંગમાં સવલતો વધશે, હાલમાં બે બાર્જ બર્થ થઈ શકે તેવી ક્ષમતા સામે ૩ બાર્જ બર્થ થઈ શકશે.
ભાવનગર રાજયના વિકાસ માટેના પથ પર જીએમબી આગળ વધ્યું
ભાવનગર રાજ્યનો વિકાસ કરવા માટે જળમાર્ગનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી નવા બંદરની સ્થાપના કરવામાં આવી હતી. બારમાસી ગણાતા ભાવનગર બંદર ખાતે ૧૯૩૭ બાદ પ્રથમ વખત કોંક્રિટ જેટીનુ઼ નવનિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જૂના બંદરે મોટી માત્રામાં કાંપ આવવાને કારણે બંદર બૂરાતુ જતુ હતુ તેથી જૂના બંદરથી ૮ કિ.મી.ના અંતરે નવા બંદરનું નિર્માણ કરાવવામાં આવ્યુ હતુ. અને ત્યાં વાર્ફ, વેરહાઉસ, રેલવે લાઇન, પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા. ૧૯૬૩માં તે સમયનો ભારતનો સૌપ્રથમ લોકગેટ પણ ભાવનગર બંદરમાં ઇન્સ્ટોલ કરાયો હતો.
જેટી નિર્માણ સાથે કાર્ગો ડિસ્ટર્બ ન થાય તેની તકેદારી લેવાઈ
જીએમબીના પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, નવી જેટીનું નિર્માણ ત્રણ ફેજમાં હાથ ધરાયુ છે. જેથી કાર્ગો હેન્ડલ કરવામાં કોઈ પ્રતિકૂળ અસર ના પડે. બંદરનું કામ યથાવત રહે અને સાથે નવી જેટીનું કામ તબક્કાવાર આગળ ધપતું જાય તેવુ ટીમવર્ક થઈ રહ્યું છે જેનો સંતોષ છે. તેમણે નવી જેટીના નિર્માણથી વિકાસને વેગ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

Previous articleસુભાષનગરમાં મોડી રાત્રે સગીરની હત્યા, આરોપી પોલીસના હાથવેંતમાં
Next articleચૂંટણી પૂર્વે પક્ષ પલટો કે પછી રાજકીય સંન્યાસ; સંજયસિંહ માલપરે કોંગ્રેસ છોડી -રાજીનામુ બાકી