કાળીયાબીડ ટાંકીમાં ગાબડાની ઘટનામાં એક મહિના બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર

61

ટાંકીની મજબૂતાઈ અંગેનો રિપોર્ટ મેળવવામાં ગુનાહિત બેદરકારી, ચાચુડી ઘડાવું છું જેવું તંત્રનું વલણ દુર્ઘટના નોતરશે
શહેરના કાળીયાબીડમાં પાણીની ટાંકીમાં મસમોટું ગાબડું પડયાની ઘટના ધ્યાને આવ્યાના ૧ મહિને પણ હજુ સુધી ટાંકીની સ્ટ્રેનથ અંગે કન્સલ્ટન્ટનો રિપોર્ટ મેળવવામાં મ્યુ.તંત્ર બેદરકાર રહ્યું છે, હજુ આજે પણ સ્થિતિ ઠેરની ઠેર છે ત્યારે જર્જરિત બનેલી ટાંકીનો અન્ય ભાગ તૂટી પડે અને ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે તેવી ગંભીર ભીતિ છે પરંતુ મ્યુ.તંત્ર ચાચુડી ઘડાઉ છું તેવી નીતિમાંથી બહાર આવતું નથી. લગભગ વર્ષ ૧૯૯૦ પૂર્વે બંધાયેલ ઓવરહેડ ટાંકીની છતમાં ગાબડું પડયાની ઘટના અન્ય દ્વારા ધ્યાને આવી ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું હતું, જાણ થયા બાદ પણ કાઈ ઉકાલળ્યું નથી.! ગત ૨૮મી માર્ચના ગાબડાની આ ઘટના ધ્યાને આવતા સ્ટે.ચેરમેન ધામેલીયા, સિટી એન્જીનીયર કુકડીયા અને અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આશરે ૧૨ ફૂટના વ્યાસમાં ગાબડું પડતા કન્સલ્ટન્ટ પાસેથી ટાંકીનો રિપોર્ટ મેળવવા નક્કી થયું હતું. જેને આજે એક માસ વીત્યો છતાં આ કાર્યમાં કોઈ પ્રગતિ નથી થઈ, જર્જરિત ટાંકીની માત્ર છત તૂટી પડી છે પરંતુ અન્ય ભાગ તૂટે અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની.? ટાંકી જર્જરિત અને જોખમી બની હોવાના પ્રમાણ પછી પણ તંત્ર હજુ ગંભીર નથી બન્યું.
ટાંકી ખાલી કરવી પડે તો પણ યથાવત રીતે પાણી વિતરણની વોટર વર્ક્‌સ વિભાગની તૈયારી
૧૭ લાખ લિટરની મહાકાય પાણીની ટાંકીની છત તૂટીને પડવાની ઘટનામાં રિપેરિંગ માટે જો ટાંકી ખાલી કરવાની જરૂર પડે તો પાણી વિતરણ કઈ રીતે થઈ શકે.? આવા પ્રશ્નના ઉતરમાં મ્યુ. વોટર વર્ક્‌સ વિભાગના કા. ઈજનેર દેવમુરારીએ જણાવ્યું કે, મેઈન લાઇન સાથે સપ્લાય જોડી પાણી વિતરણ યથાવત રહે તેવી અમારી તૈયારી છે, ભૂતકાળમાં ૨૦૦૪ અને ૨૦૦૮માં આ રીતે પ્રયોગ કરેલો જે સફળ રહ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

Previous articleચૂંટણી પૂર્વે પક્ષ પલટો કે પછી રાજકીય સંન્યાસ; સંજયસિંહ માલપરે કોંગ્રેસ છોડી -રાજીનામુ બાકી
Next articleઘોઘાના દરિયાકિનારે પોલીસનુ ઓપરેશન સાગર સુરક્ષા કવચ