સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠા ઉપર પોલીસ જવાનોએ ૪૮ કલાક સુધી કવાયત કરી ગુજરાતના વિશાળ સમુદ્રકાંઠાનો આતંકવાદી ફરી ઉપયોગ ન કરે તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને દરેક પરિસ્થિતીને પહોંચી વળવા સુરક્ષા એજન્સી સક્ષમ છે, તે બાબતે સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાતું હોય છે,અને આ સાગર સુરક્ષા કવચ અંતર્ગત આજ સવારથી ગુજરાતના દરિયામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ ચાલી રહ્યું છે,ર૬/૧૧ના મુંબઈ પરના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યા બાદ ફરી આ જ માર્ગ અપનાવે નહીં તે માટે નેવી, કોસ્ટ ગાર્ડ, મરીન, પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દરિયાઈ સુરક્ષા બાબતે ચૌકન્ની બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતા કેવી છે ? તે માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ સમયાંતરે હાથ ધરાય છે,ત્યારે વહેલી સવારથીજ ઓપરેશન સાગર સુરક્ષા કવચનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.
તમામ સુરક્ષા એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઈ હતી. ખાસ કરીને પોલીસ માટે આ ઓપરેશન મહત્વનું બની રહ્યું હતું.ઘોઘા મરીન અને શહેર પોલીસ પણ આ ઓપરેશનને લઈને સતર્ક બની ગઈ હતી અને ઘોઘા સહિતના દરિયાકાંઠે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,આજે સવારથી પોલીસ જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ દરિયામાં આવતી-જતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત ઘોઘામાં પ્રવેશતા તમામ પ્રવેશદ્વારો ઉપર વાહનોનું સઘન ચેકિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઘોઘા રો-પેક્સ જેટી અને ટર્મિનલ,ઘોઘા લાઈટ હાઉસ અને જેટી સહિતના મહત્વના સ્થળોએ પોલીસનો કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો,તેમજ કુડા કોળીયાક સહિતના દરિયાકાંઠા ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. દરિયાકાંઠાની તમામ હલચલો ઉપર પોલીસ બાજ નજર રાખીને બેઠી હતી. દરિયામાં મરીન પોલીસે બોટોની તલાશી લીધી હતી. આ ઉપરાંત ઘોઘા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પણ વાહન ચેકિંગ કરાયું હતું.