દેશમાં કોરોનાના વધતા કેસથી ચિંતા : મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી, વેક્સિનેશન અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, તા.૨૭
દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને વેક્સિનેશન અને સાવધાનીઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, ’જે રીતે તેમણે અત્યાર સુધી પોતાનું કામ કર્યું છે તે માટે હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરૂં છું. અમુક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો પડકાર ઓછો નથી થયો. તેની સ્થિતિ ગંભીર થઈ શકે છે. યુરોપમાં જોઈ શકાય છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક દેશમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. આપણે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા ૨ સપ્તાહથી કેસ વધી રહ્યા હોવાથી સમજાઈ રહ્યું છે કે, આપણે એલર્ટ રહેવાનું છે. થોડા મહિના પહેલા જે લહેર આવી તેમાંથી આપણે ઘણું શીખ્યા છીએ. આપણે ઓમિક્રોનનો સફળતાપૂર્વક સામનો કર્યો. ૨ વર્ષ દરમિયાન દેશે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઓક્સિજન માટે કામ કર્યું.’ વડાપ્રધાને મુખ્યમંત્રીઓને જણાવ્યું કે, છેલ્લા ૨ વર્ષમાં કોરોના મામલે આ આપણી ૨૪મી બેઠક છે. કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કર્યું તેણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી. વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ રોકવું તે પહેલા પણ આપણી પ્રાથમિકતા હતું અને આજે પણ તે જ રહેવું જોઈએ.