ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું યોગદાન વધારવા સંશોધિત પ્રાકૃતિક કૃષિ આવશ્યક : ડો. પ્રશાંત જિલોવા

72

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરના દૂરસંપર્ક સંબોધન સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા ખાતે કૃષિ મેળો અને ખેડૂત સંમેલન
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા ખાતે આજે યોજાયેલ કૃષિ મેળો અને ખેડૂતમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરના દૂરસંપર્ક સંબોધન સાથે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું ખેતી આધારિત યોગદાન વધારવા સંશોધિત પ્રાકૃતિક કૃષિ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે રાજ્યના તમામ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં લોકભારતી, સણોસરા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ ઉપક્રમમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દૂરસંપર્ક પ્રસારણ દ્વારા સંબોધન કરી સરકારની કૃષિ વિકાસ સંબંધી બાબતોનો ઉલ્લેખ કરી ’ખેડૂત ભાગીદારી, પ્રાથમિકતા આપણી’ અંગે સંવાદ કર્યો હતો. આ કૃષિ મેળો અને ખેડૂત સંમેલનમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ આંકડાકીય વિગતો સાથે ભારતીય અર્થ વ્યવસ્થામાં ખેડૂતોનું ખેતી આધારિત યોગદાન વધારવાં સંશોધિત પ્રાકૃતિક કૃષિ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેઓએ ખેતીમાં જંતુનાશક રસાયણોના થયેલા દુષ્પ્રભાવ બાદ હવે સરકારના પ્રયત્નો મુજબ પ્રાકૃતિક ખેતી પર જવાં ભાર મૂક્યો હતો. ખેડૂતોએ એક જ પાકના બદલે વિવિધ પાક સાથે બાગાયત વગેરેમાં ઉત્પાદન અને પ્રક્રિયાથી મૂલ્યવર્ધન વડે વેચાણથી આવક વધારી શકાય છે. આ માટે પ્રાકૃતિક ખેતી સાથે સતત શીખતાં રહેવું જોઈશે. લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠના અગ્રણી કાંતિભાઈ ગોઠીએ ભારતીય કૃષિ સંસ્કૃતિ અને પદ્ધતિનો ઉલ્લેખ કરી રાસાયણિક તત્વોનો ઉપયોગ બંધ કરવા પર ભાર મૂક્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા વૈજ્ઞાનિક નિગમ શુકલે આયોજનની પૂર્વભૂમિકાની વાત સાથે જણાવ્યું કે, રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખેડૂતોની મહત્વની ભૂમિકા રહેલી છે, જે માટે આવાં મેળા કાર્યક્રમો સિવાયના આયોજનોમાં સક્રિય રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સહાયક બની રહેલ છે.
આ પ્રસંગે ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું ચાદર અને પ્રમાણપત્રો વડે સન્માન અભિવાદન કરાયું હતું. કાર્યક્રમ પ્રારંભે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિનીત સવાણીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રગતિશીલ ખેડૂત અજીતસિંહ ગોહિલે તેમના અનુભવો દ્વારા જંતુનાશકોમાં રસાયણો સિવાયની પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતા વર્ણવી હતી. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓએ શરૂઆતમાં પ્રકૃતિના મહિમાનું ગાન રજૂ કર્યું હતું. સંચાલનમાં શિલાબેન બોરિચા રહ્યાં હતાં.
’આત્મા’ પ્રયોજના કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આયોજન સાથેના કૃષિ મેળા અને ખેડૂત સંમેલનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, ’આત્મા’ નાયબ ખેતી નિયામક પરમાર, સંશોધન અધિકારી ગંભીરસિંહ વાળા, બાગાયત અધિકારી વાઘમશી, ચતુરભાઈ શાંખટ સહિત અધિકારી નિષ્ણાંતોએ ખેડૂતોને વિવિધ માહિતી માર્ગદર્શન આપ્યું હતું.આ કૃષિ મેળામાં સરકારના વિવિધ ઉપક્રમો, કચેરીઓ તેમજ એકમો સાથે સંસ્થાઓ અને ખાનગી પેઢીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી સંબંધી નિદર્શન પ્રદર્શન રાખવામાં આવેલ, જેનો લાભ મોટા પ્રમાણમાં ખેડૂતોએ લીધો હતો.

Previous articleસુપોષિત ગુજરાતના ઉદ્દેશ તરફ ઝડપથી આગળ વધતું ભાવનગર
Next articleશ્રીમતી એમ. એન. એચ. દોશી મિડલ સ્કૂલ પાલીતાણાના વિદ્યાર્થીઓનો માયધાર શૈક્ષણિક પ્રવાસ