મેયર, સ્ટે.ચેરમેન, કમિશનરે મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વીકાર્યો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમીનીટીઝની સુવિધાના કોઇ કામ નાણાંના અભાવે અટકશે નહિં તેવી સ્પષ્ટ નેમ દર્શાવી છે. મુખ્યમંત્રી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરો-મહાનગરો તથા શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસ કામો માટેના કુલ ૧૧૮૪ કરોડ રૂપિયાના વિવિધ ચેક વિતરણ સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાને રુ.૪૦.૧૧ કરોડનો ચેક અપાયો હતો. ભાવનગરથી મેયર કીર્તિબેન દાણીધરીયા, સ્ટે. ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગુડે સહિતનાએ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક સ્વીકાર્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.૩૫૪.૮૫ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.૨૮૯.૬૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.૧૦૮.૬૧ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૮૬.૯૦ કરોડ, ભાવનગર કોર્પો.ને રૂ.૪૦.૧૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૮.૦૧ કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.૧૯.૯૨૫ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૨૦.૪૪ કરોડ જ્યારે ૮ સત્તામંડળો માટે રૂા.૩૬ કરોડના ચેક ફાળવાયા હતા.