જમ્મુને હચમચાવી નાખવાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, બત્રા નજીક હાઇવે પરથી આઇડી મળી આવ્યો

189

જમ્મુ,તા.૨૮
જમ્મૂ-કાશ્મીરમાં એકવાર ફરી અશાંતિ ફેલાવવાના આતંકીઓના ઇરાદા પર પાણી ફરી વળ્યું છે. પોલીસ અને સેનાએ મળીને આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. પોલીસને બત્રા હોસ્પિટલની નજીક જમ્મુ-કાશ્મીર હાઈવે પર આઈઈડી જપ્ત કરી મોટી દુર્ઘટના ટાળી દીધી છે. હાઈવે પર આતંકીઓએ કાળા કલરના એક ડબ્બામાં ટાઈમર લાગેલી આઈડીને પ્લાન્ટ કરી હતી. તેની માહિતી સમય રહેતા પોલીસને મળી હતી. પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સમય પર ઘટના સ્થળે પહોંચી અને આઈઈડીને સુરક્ષિત સ્થળે લઈ નિષ્ક્રિય બનાવી દીધી. પોલીસ અને સેના દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર સિદ્ધડામાં બત્રા હોસ્પિટલની નજીક હાઈવે પર એક કચરામાં કાળા કલરનો ડબ્બો જોઈને લોકોને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ વચ્ચે એસએસપી જમ્મુ ચંદન કોહલી પણ ત્યાં પહોંચી ગયા હતા. ડબ્બાને જોતા શંકા ઉભી થઈ અને સુરક્ષાદળોએ તત્કાલ જમ્મુ-શ્રીનગર હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને જાણ કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ડબ્બાને કચરાપેટીમાંથી બહાર કાઢ્યો અને એક સુરક્ષિત જગ્યાએ લઈને તેને ખોલ્યો હતો. ડબ્બામાં આતંકીઓએ ટાઇમરની સાથે આઈઈડી લગાવી હતી. દળમાં સામેલ જવાનોએ સુરક્ષિત રીતે વિસ્ફોટને નિષ્ક્રિય બનાવી દીધો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે આઈઈડી પ્લાન્ટ કરનાર આતંકીઓ આસપાસમાં છુપાયા છે. લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બત્રા હોસ્પિટલ તથા હાઈવે પર તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આતંકીઓએ કોઈ અન્ય સ્થળે વિસ્ફોટક લગાવ્યા નથીને.

Previous articleધાર્મિક સ્થળો પરના ૧૦,૯૨૩ લાઉડસ્પિકર હટાવાયા
Next articleભાવનગરમાં રેન્જ IGએ પોલીસ અધિક્ષક સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી, ક્રાઈમ રેટ અંગે પરિસ્થિતિ ચકાસી અપરાધિક બનાવો અંકુશમાં લેવા આદેશો આપ્યાં