ખેડૂતોને પાણી માટે ફરજિયાત પણે ભૂગર્ભ જળસ્તર પર જ મદાર રાખવો પડે છેભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે અને નિયત સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી ચોમાસું લંબાયેલુ રહે છે. છતાં દર વર્ષે ઉનાળાના આરંભે ભૂગર્ભ જળસ્તર પાણી મળતું નથી, હજારો ફૂટ ઉંડાઈએ જવા છતાં અને કેટલાક ગામડાઓમાં 500 ફૂટ કરતાં વધુ ઉંડાઈ સુધી શારકામ કરવા છતાં પાણીનો કોઈ જ અણસાર સુદ્ધાં જોવા નથી મળી રહ્યો, જેથી આ બાબત ખરેખર ચિંતાનો વિષય બની છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દાયકાથી દર વર્ષે કુદરતી જળસંગ્રહ એવાં ભૂગર્ભ જળસ્તર વધુને વધુ ઉંડાઈએ પહોંચી રહ્યાં છે. આજથી 20 વર્ષ પહેલાં વાડી-ખેતરોમાં બારમાસી ખેત પિયત માટે કોઈ ખેડૂત બોર કરે તો વધુમાં વધુ 200 થી 300 ફૂટની ઉંડાઈએ અખૂટ જળ ભંડાર પ્રાપ્ય રહેતો. ખેડૂતો 24 કલાક પાણી ઉલેચે તો પણ ડાર ડુકતા ન હતાં પરંતુ આજે વીસ વર્ષ બાદ પરિસ્થિતિ બદલાઈ છે. તેમજ આ બદલાયેલી પરિસ્થિતિ ખરેખર ચિંતાનો વિષય બની છે. દર વર્ષે શિયાળાના સમાપન સાથે જ વાડી-ખેતરોમાં પાણીની ખેંચ વર્તાવા લાગે છે.
ખેડૂતો-માલધારીઓ પોતાના મોલાત અને પશુ ધનના નિભાવ માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આથી ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં આદી કાળથી પિયત માટે કોઈ નક્કર વ્યવસ્થા કે બારેમાસ વહેતી નદીઓની ઉણપ હોય આથી ખેડૂતોને પાણી માટે ફરજિયાત પણે ભૂગર્ભ જળસ્તર પર જ મદાર રાખવી પડે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિહોર પંથકમાં ચોમાસામાં કુદરતી રીતે થતાં જળ સિંચયની પ્રક્રિયા ખોરવાઈ છે. ખાસ કરીને જોઈએ તો સિહોરના જાંબાળા, સખવદર, બોરડી, ખાંભા, ટાણા, ગુંદાળા સહીતના અનેક ગામોમાં કૂવામાં પાણીના તળ 100 ફૂટ સુધી પહોંચવા છતાં ટીપું પાણી મળતું નથી. તેમજ આ વિસ્તારમાં ખેડૂતો માત્ર અને માત્ર ખેતી આધારિત ગુજરાન ચલાવે છે. જેના લીધે ચોમાસાની સિઝન લીધા બાદ શિયાળો અને ઉનાળો પાણીના અભાવે કોઈ પાક થતો નથી. એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને ખેડની મજૂરીમાં પણ ધરખમ વધારો થયો છે. ત્યારે સિહોર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. જયારે હાલ સરકાર દ્વારા અનેક જિલ્લાઓમાં મહી અમે નર્મદાના પાણી પહોંચાડવામાં આવ્યા છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં છે. ત્યારે સિહોર પંથકના ખેડૂતો પણ પાણી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. સિહોર પંથકના ગામડાઓમાં ભૂગર્ભ જળસ્તર ઘટીને નહિવત બન્યાં છે. પરીણામે એક હજાર ફૂટ કરતાં પણ વધુ ઉંડાઈએ ખોદકામ કરવા છતાં પાણી મળતું નથી. આથી સરકારે તથા જવાબદાર તંત્ર દ્વારા આ મુદ્દે તત્કાળ ધ્યાન આપી ભૂગર્ભ જળસ્તર સબંધિત કાયદો બનાવવા અને ચોમાસામાં વધુ ને વધુ જળસંચય થાય એવાં નક્કર પગલાં લેવા ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે.