ઘોઘારોડના ચકચારી બનાવમાં ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર ટી. વચ્છાણીનો ચુકાદો : એકને શંકાનો લાભ આપી છોડી દેવાયો
સાડા ત્રણેક વર્ષ પૂર્વે શહેરના ઘોઘારોડ બાલયોગીનગરમાં રહેતા આધેડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આપઘાત કરી લેવાના ગુન્હામાં ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને કસુરવાર ઠેરવ્યા છે. જ્યારે એકને શંકાનો લાભ આપી છોડી દેવાયો છે. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના ઘોઘારોડ બાલયોગીનગર ખાતે રહેતા લાખાભાઈ નાજાભાઈ રાઠોડ (ઉ.વ.૪૨) નામના શખ્સે દેવાભાઈ મેપાભાઈ મેર તથા લખમણભાઈ ઉર્ફે લખાભાઈ મેપાભાઈ મેર પાસેથી રૂપીયા ૬ લાખ વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ નિયમિત આપતા હોવા છતા બન્ને વાંરવાર રૂપીયાની ઉઘરાણી કરી ધમકી આપતા હતા. અને બન્ને આરોપીઓએ બનાવ ૧૫ દિવસ પૂર્વે ભરતભાઈ લખમણભાઈ મેર અને લખમણભાઈ કરમણભાઈ રાઠોડને સાથે રાખી તેના ઘરે ગયેલ અને વ્યાજે લીધેલા પૈસા મુદ્દલ અને વ્યાજ સહિત નવરાત્રિ સુધીમાં આપી દેવા નહી આપે તો તારી દિકરીને ઉપાડી જઈશું તેમ કહી ધમકી આપેલ. અને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપેલ. આ અંગે લાખાભાઈને લાગી આવતા તેઓ તા.૧૧-૧૦-૨૦૧૮ના રોજ તેના ઘરે ઉપરના માળે એંગલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરેલ. આ અંગેની ફરિયાદ મૃતકના પુત્રી હરસિધ્ધીબેને નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૬, ૫૦૪, ૫૦૬ (૨) જીપીએક્ટ ૧૧૪ મનીલેન્ડની કલમ ૪૦, ૪૨ એ મુજબ ફરિયાદ નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર ટી. વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ ધ્રુવ મહેતાની દલીલો આધાર પુરાવા ગ્રાહ્ય રાખી દેવાભાઈ મેપાભાઈ મેર, લખમણભાઈ ઉર્ફે લાખાભાઈ મેપાભાઈ મેર તથા ભરતભાઈ લખમણભાઈ મેરને કસુરવાર ઠેરવ્યા છે. જ્યારે લખમણભાઈ કરમણભાઈ રાઠોડને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી દેવામાં આવેલ છે.