“જોયું, અમારી સરકારનો સપાટો ?” રાજુ રદી બોચી પર વળેલો પરસેવો લૂંછતા પોરસાયો.
“ સરકારે શી મોટી ધાડ મારી? “ મેં સામે સવાલ કર્યો.
“અમે અમે અમેપ.” રાજુ રદીની રેકર્ડની પીન ચોંટી ગઇ.
રશિયા અને યુક્રેનના યુધ્ધમાં સંધિ કે યુધ્ધ વિરામ કરાવ્યો?”મેં સવાલ પૂછ્યો.
“ના ગિરધરભાઇ.” રાજુએ નીચી મુંડી કરી જવાબ આપ્યો.
“ ગેસનો બાટલો સો રૂપિયે કરી નાંખ્યો?” સણસણતો બીજો સવાલ.
“ના ના ભાવ વધારો વિકાસની પારાશીશી છે.” પાર્ટી આઇટી સેલ તૈયાર કન્ટેન્ટ વાગોળતાં રાજુ બોલ્યો.
“ચારસો રૂપિયાના લીંબુનું મફતમાં હેડગોવર લીંબુ વિતરણ યોજના હેઠળ વિતરણ શરૂં કર્યું?” અમારો ત્રીજો તેજતર્રાર સવાલ.
“ના. ના.”રાજુની મુંડી નકારમાં વધુ નીચી થઇ.
“સિંગતેલ- કપાસિયાના ભાવો પ્રતિ કિલો દસ કર્યા?” અમારો ચોથો ચક્રવર્તી સવાલ.
ના. ભાઇ. ના.” રાજુની મુંડી નકારમાં વધુ નીચી થઇ.
“ પેટ્રોલ-ડિઝલના ભાવ લીટરે દસ રૂપિયે કર્યો? હું સાઇકલની ટાંકી ફૂઅલ કરાવી દઇશ.” મેં રાજુ રદીને ટોણો કર્યો!!
“ ના .ના.” રાજુ નરમ મીણ થયો.
“હિન્દુ મુસ્લિમ દંગા બંધ થયા?” મેં પૂછયું.
“ના “ રાજુનો જવાબ.
“ગિરધરભાઇ. તમે તર્ક કુતર્ક ન કરો.સરકાર અમારી છે. સપાટો બોલાવ્યો છે” રાજુએ પુનરોચ્ચાર કર્યો.
“રાજુ. સરકારે શું કર્યું કે દેડકાની જેમ ડ્રાંઉ ડ્રાંઉ કરે છે!!” મેં કહ્યું.
“ ગિરધરભાઇ. એપ્રિલ માસમાં કેટલી બધી ગરમી પડી? કેટલા વરસોના રેકોર્ડ તોડી નાંખ્યા. એપ્રિલ માસમાં ૪૪ ડિગ્રી ગરમી પડી.સો વરસમાં આવી ગરમી પડી છે. રવિવારે ૪૬ ડિગ્રી ગરમી પડશે. મે મહિનામાં ગરમીનો કાંટો પંચાસે પહોંચશે. આઝાદીના પંચોતેર વરસમાં આવી ગરમી પાડી નથી. કોઇ સરકારે ગરમી વધારવા ધ્યાન આપ્યું નથી. અમારી સરકારે ગરમી વધારવાની ફાઇલ શોધી, ધૂળ ખંખેરી, સાફ કરી ગરમી વધારવાની યોજનાને મંજૂરીની મહોર મારી છેપપ” રાજુએ અક્કડ નજરે મારી સામે જોયું!!
મેં અંધભકત રાજુને કોટિ કોટિ પ્રણામ કર્યા અને મુઠીઓ વાળીને ભાગી છૂટ્યો!!!
– ભરત વૈષ્ણવ