દેશમાં કોલસાની હેરાફેરી માટે રેલવેએ રોજની ૪૧૫ રેક ફાળવવા નિર્ણય લીધો છે જેમાં દરેકમાં ૩૦૦૦ ટન કોલસો વહન કરી શકાશે
નવી દિલ્હી, તા.૨૯
વીજ કટોકટી ગંભીર બનવાની શક્યતા હોવાથી સરકારે બધું ધ્યાન વધુમાં વધુ કોલસાના વહન પર લગાવ્યું છે. તેના કારણે રેલવેની પ્રાથમિકતા બદલાશે અને પેસેન્જર ટ્રેનના બદલે માલગાડીઓ દોડાવવા પર ધ્યાન દેવાશે. રેલવેએ કોલસો ભરેલી માલગાડીઓ દોડાવી શકાય તે માટે ૬૭૦ પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.
હાલમાં વીજળીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તેનું ઉત્પાદન વધારવા માટે કોલસાની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવી પડશે. છેલ્લા બે સપ્તાહમાં ૧૬ મેલ અથવા એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરી છે. રેલવેએ જણાવ્યું કે ૨૪ મે સુધીમાં પેસેન્જર ટ્રેનોની ૬૭૦ ટ્રિપ રદ કરવામાં આવશે. તેમાંથી ૫૦૦ ટ્રિપ લાંબા અંતરની મેઈલ અને એક્સપ્રેસ ટ્રેન્સ માટે છે. સૂત્રોએ જણાવ્યું કે કોલસાની હેરાફેરી માટે રેલવેએ રોજની ૪૧૫ રેક ફાળવવા નિર્ણય લીધો છે જેમાં દરેકમાં ૩૦૦૦ ટન કોલસો વહન કરી શકાશે જેથી હાલની માંગને પહોંચી શકાય. તેમણે જણાવ્યું કે આ રીતે ઓછામાં ઓછા બે મહિના સુધી કામ કરવામાં આવશે જેથી પાવર પ્લાન્ટ ખાતે સ્ટોક વધારી શકાય અને જુલાઈ-ઓગસ્ટમાં વીજ કટોકટી ટાળી શકાય. સામાન્ય રીતે આ બે મહિનામાં વરસાદના કારણે માઇનિંગ કામગીરી અટકી જાય છે. પેસેન્જર ટ્રેનો રદ કરવાના કારણે લોકોમાં નારાજગી છે અને કેટલાક રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે. રેલવેના એક અધિકારીએ કહ્યું કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા કોલસાનો સપ્લાય વધારવાની છે જેથી વીજળીનું ઉત્પાદન બંધ ન થઈ જાય. અમારે કામચલાઉ ધોરણે આ કરવું જ પડશે. પાવર પ્લાન્ટ્સ આખા દેશમાં પથરાયેલા હોવાથી રેલવેએ લાંબા અંતરની ટ્રેનો દોડાવવી પડશે અને મોટી સંખ્યામાં કોલ રેક દોડાવવામાં ૩થી ૪ દિવસનો સમય લાગી જાય છે. પૂર્વ વિસ્તારમાંથી કોલસો કાઢીને ઉત્તર, સેન્ટ્રલ અને વેસ્ટર્ન ભાગોમાં પહોંચાડવામાં આવે છે. સત્તાવાર ડેટા પ્રમાણે રેલવે ૨૦૧૬-૧૭માં રોજની ૨૬૯ કોલ રેક ભરવામાં આવતી હતી. ૨૦૧૭ અને ૨૦૧૮માં તેનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ ત્યાર પછીના બે વર્ષમાં લોડિંગ ઘટીને ૨૬૭ રેક થયું હતું. ગયા સપ્તાહમાં તેને વધારીને રોજના ૩૪૭ રેક કરવામાં આવ્યું હતું. ગુરુવારે દૈનિક ૪૦૦થી ૪૦૫ રેક દોડાવવામાં આવતી હતી. દેશમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે તેમાંથી ૭૦ ટકા વીજળી કોલસા પર આધારિત છે.