જેમ સુરતીઓ હીરો ચમકાવે તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવે : વડાપ્રધાન મોદી

49

વડાપ્રધાને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો : તમારા છોકરાઓ ઝંડા લઈને મુર્દાબાદ, મુર્દાબાદ કરતા નીકળી પડે છે તો તેમને સમજાવો કે જ્યોતિગ્રામ યોજના આવી એ પહેલાં કેવા અંધારામાં રહેતા હતા
સુરત,તા.૨૯
આજથી સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કર્યું હતું.આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડયા હતા. આ વખતના સમિટમાં ૩૬ કિલો ચાંદીના ભગવાનના વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રેમવતી ગોલ્ડ દ્વારા ભગવાનના આ વાઘા તૈયાર કરાયા છે. ૧૮ કારીગરોએ ૯૫ દિવસને મહેનત બાદ આ ખાસ વાધા બનાવ્યા છે. ગ્લોબલ પાટીદાર સમિટમાં દેશ વિદેશ અનેક પાટીદાર ઉદ્યોગપતિઓ જોડાયા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના સૌથી તેજીથી વિકસિત થઈ રહેલા શહેરોમા એક શહેર સુરત છે. આજે સૌ સુરતમાં બેસીને નવો સંકલ્પ લઈ રહ્યાં છીએ. ગુજરાત પ્રતિ અને ભારત પ્રતિ આપણા સહિયારા પ્રતિબદ્ધતાનું પરિણામ છે. દેશને નવી આઝાદી મળી હતી ત્યારે સરદાર પટેલે કહ્યુ હતું કે, ભારતમાં સંપદાની કોઈ અછત નથી. આપણે ફક્ત આપણુ દિમાગ તેના સદુપયોગ માટે લગાવવુ પડશે. આગામી ૨૫ વર્ષમાં જ્યારે આપણે સંકલ્પ સાથે નીકળીએ તો સરદાર પટેલની આ વાતને ભૂલવુ ન જોઈએ. આજે ભારત પાસે ઘણુ છે, માત્ર આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા જુસ્સાને મજબૂત કરવાનો છે. વિકાસમાં સૌથી ભાગીદારી હશે તો જ આ આવશે. ગત ૮ વર્ષમા દેશમાં બિઝનેસ, ઉદ્યમ, ક્રિએટિવિટીનો નવો વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરાયો છે. દેશના યુવકો આંત્રપ્રિન્યોર બનાવનુ સપનુ જોવા લાગ્યા છે. મેક ઈન ઈન્ડિયાને નવી ભારતની નવી સંસ્કૃતિ બનાવવા કામ કરવામાં આવી રહ્યુ છે.
તેમણે કહ્યું કે, નાનો વેપાર કરનારો દેશવાસી પણ ભારતની ગ્રોથ સ્ટોરી સાથે પોતાને જોડાયેલુ અનુભવે છે. તેને પણ પીએમ સ્વરોજગાર યોજનાથી ભાગીદારી મળી છે. આ યોજનાને ડિસેમ્બર ૨૦૨૪ સુધી આગળ વધારાઈ છે. દરેક વેપારનો દેશના વિકાસમાં યોગદાન છે. મને ખુશી છે કે આ સમિટમાં તમે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. ગગજીભાઈ સાથે વાત કરો તો નિરાશાનું નામ ન હોય. નવુ કરવાની વાત તેમનો સ્વભાવ બન્યો છે. સમાજ માટે જાત ઘસીને કરવાનું તેનાથી આ કામ સફળ થતા હોય છે. હીરાની દુનિયામાં આપણે હીરા બનાવ્યા, પણ આજે જુદા ક્ષેત્રમા તમને લઈ જવા માંગુ છું. મારુ સૂચન છે કે, નાનુ ગ્રૂપ બનાવો. જેમાં અનુભવી વડીલો હોય અને ૪૦ ટકા યુવાનો હોય. તેમને ગુજરાતમાં કયા વિષયમાં દેશમા આગળ વધવુ હોય તે માટે રિસર્ચ કરે. સરકારી નીતિ, સમસ્યા, પડકારો પર કામ કરે. બેન્કિંગ માટે પણ કામગીરી થાય. નીતિઓમાં ક્યાં ભૂલ છે, ક્યા સમસ્યા ઉભો થાય છે, ફાઈનાન્સ જેવા વિષયો પર ડોક્યુમેન્ટેશન કરે. પીએમ મોદીએ ખેતી ક્ષેત્રે કહ્યુ કે, આજે મારી સામે ૯૯ ટકા લોકો ખેડૂતના દીકરા છે. કરોડોમાં ભલે રમે, પણ આપણી જડ ખેતી છે. વડવાઓનુ તપ છે. જો આપણે વેપારમાં આગળ વધ્યા તો ખેતી ક્ષેત્રે કેમ નહિ. લગભગ જમીન પર બિલ્ડર આવીને મોટી ઈમારત બનાવે. પણ હવે જ્યારે નર્મદાનુ પાણી ખૂણેખૂણે પહોંચ્યુ છે તો ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે આ ક્ષેત્રમાં જોડાવે. મારી વિનંતી છે કે ગુજરાતની જમીનનું રિસર્ચ કરનારી ટીમ બનાવો. એગ્રિકલ્ચર ક્ષેત્ર સાથે મળીને કામ કરો. આજથી વર્ષો પહેલા ગુજરાતમાં ડેરી ઉદ્યોગ વિકસ્યો ન હોત તો આપણા ગામડાની અને ખેડૂતોની દશા માઠી થઈ હોત. આજે ગુજરાતનું ડેરી ઉદ્યોગમાં નામ થયુ છે. પશુપાલન અને દૂધના વ્યવસાયને તાકાત મળી છે. તેવી જ તાકાત કૃષિ પેદાશને મળી શકે. જેમ હીરો ચમકાવો તેમ મારા ખેડૂત અને તેના પરસેવાને વધુ ચમકાવો. ફૂડ પ્રોસેસિંગમાં આપણે બહુ જ પાછળ છે. કારણ કે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ આવી નથી રહ્યુ. તેમણે કહ્યુ કે, આયુર્વેદની માંગ વધી છે. આપણે દુનિયાના હોલિસ્ટિક હેલ્થકેરની જે ચર્ચા ચાલી છે, તેમાં આપણે યોગદાન આપી શકીએ છીએ. સુરતથી બહાર જઈને આ ક્ષેત્રમાં જઈ શકો છો. હવે નક્કી કરો કે મોટા શહેરોમાં કામ નથી કરવું. વીજળી મળતા જ હીરાઘસુઓ ગામડામાં હીરાની ઘંટી લઈ ગયા. નક્કી કરો કે ગુજરાતના મોટા શહેરો નહિ, પણ તેના પછીના શહેરોમાં કામ કરો. તેનાથી ઈન્વેસ્ટમેન્ટમાં બચત થશે. જમીન સસ્તી મળશે અને ગુજરાતના વિકાસનો દાયરો ફેલાશે. ૨૫-૩૦ એવા નાના શહેરો પકડો અને તેને ધમધમતા કરો. એ શહેરોની નજીક નવા શહેરો બની શકે છે. આ સમિટમાં આ દિશામાં વિચાર કરશો તો મારા મનમાં લાંબા ગાળની સ્કીમ બનાવતા એકેડેમિક વર્લ્‌ડ મારી સાથે આવશે. મને તમારા પર ભરોસો છે. એક તબક્કે મોદીએ ગુજરાતના પાટીદાર સમુદાયને ટકોર પણ કરી હતી કે, તમારા (પાટીદારના) છોકરાઓ ઝંડા લઈને મુર્દાબાદ, મુર્દાબાદ કરતા નિકળી પડે છે તો તેમને સમજાવો કે જ્યોતિગ્રામ યોજના આવી તે પહેલા કેવા અંધારામાં રહેતા હતા. પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને યાદ કરતાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહેલું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ કરીને તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ન ભૂલવી જોઈએ. વડાપ્રધાને કટાક્ષ કરતાં કહ્યું કે, આજકાલ અમારો વિરોધ કરતાં અને અમારી વિરુદ્ધ નારેબાજી કરતાં તમારા છોકરાઓને સમજાવો કે, પહેલા કેવા દિવસો હતાં. વીજળી પણ પૂરતી મળતી નહોતી. સરકારે કેટલી મહેનત કરીને આ પ્રગતિમાં આપણે પહોંચ્યા છીએ. એ પણ ન ભૂલવું જોઈએ.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૩૭૭ નવા કેસ નોંધાયા
Next articleયુવાનને જીવતો સળગાવી દેવાના ગુન્હામાં પાલીતાણાના બે શખ્સોને આજીવન કેદ