ભાવનગરના 299માં જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે, ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

161

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાશે
ભાવનગર કાર્નિવલ, ત્રિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન

કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતાં ભાવનગરના 299 માં જન્મ દિવસની રંગે ચંગે ઉજવણી થવાની છે. તા.2 થી 4 દરમિયાન ત્રી દિવસીય વિવિધ કાર્યક્રમો સાથે અને રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. આ ઉજવણીને લઈ આજે જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. દેશની અખંડીતતામાં પોતાનું રજવાડું સૌપ્રથમ અર્પણ કરનારા ગોહિલવાડ રાજ્યનું નામ ઇતિહાસમાં અમર થઇ ગયું છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા ભાવનગર શહેરના વડવા ગામ ખાતે અખાત્રીજના દિવસે ભાવનગરના તોરણ બાંધવામાં આવ્યા હતા. જેને આગામી 3જી મે અખાત્રીજના દિવસે 299 વર્ષ પૂરા થઈ અને 300 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે આ ઉજવણી થવાની છે. જેમાં બીજી તારીખે ભાવનગર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો પોતાની કલા પીરસસે, બીજી મેં ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સાંજે 7 વાગ્યે કાર્નિવાલનો પ્રારંભ થશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાયરામ દવે સહિતના કલાકારો દ્વારા બોર તળાવ બાલવાટિકા ખાતે રમઝટ બોલાવવામાં આવશે. તેમજ ત્રીજી તારીખ અને અખાત્રીજના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 750 તિરંગા સાથેની ભવ્ય પદયાત્રા નીકળશે. જે સરદાર પટેલ સર્કલથી લઈ નીલમબાગ સર્કલ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સુધી આ યાત્રા નીકળશે. તેમજ રાજવી પરિવારની સમાધી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સાથે સાથે 75 સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે. આ સાથે 300 કિલોનો લાડુ બનાવી અને આ લાડુ આર્થિક પછાત બાળકોને પહોંચાડવામાં આવશે. આમ વિવિધ રંગારંગ કાર્યક્રમ સાથે ત્રણ દિવસ સુધી ભાવનગરના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવાયા
Next articleભાવનગરના રૂપાણી સર્કલ પાસેથી ચોરાયેલા સ્કુટર સાથે એક શખ્સને LCBની ટીમે ઝડપી પાડ્યો