પોલીસે સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી 25 હજારના સ્કુટર સાથે આરોપીને બી-ડીવીઝન પોલીસના હવાલે કર્યો
ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે ઉંદરીને ચોરાવ સ્કુટર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા થયેલા સ્કુટર ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન રૂપાણી સર્કલ નજીક પહોંચતા બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે, રૂપાણી સર્કલમાં એક શખ્સ શંકાસ્પદ સ્કુટર સાથે આંટાફેરા મારે છે અને આ સ્કુટરની નંબરપ્લેટમાં એક આંકડો ચેકી નાંખ્યો છે જે હકીકત આધારે ટીમે વોચ ગોઠવી બાતમી વાળો શખ્સ સર્કલ પાસેથી પસાર થતાં તેને અટકાવ્યો હતો. તેમજ નામ-સરનામું સાથે અંગ ઝડતી અને તેની પાસે રહેલા સ્કુટર અંગે આરસી બુક સહિતના દસ્તાવેજ ચકાસણી માટે જવાનોએ માંગ્યા હતાં. આ દરમિયાન અટક કરાયેલા શખ્સે પોતાનું નામ ભરત ઉર્ફે ઉંદરી રતિલાલ સોલંકી ઉ.વ.36 ધંધો રત્નકલાકાર રે.ચાવડીગેટ વાળો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પાસે સ્કુટર અંગે આધારભૂત દસ્તાવેજ ન હોય અને સંતોષકારક જવાબ ન આપી શકતાં આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે, ગત તા.28-4 ના રોજ બપોરે મહાલક્ષ્મી સ્કુલ વાળા ખાંચામાથી સ્કુટરની ચોરી કરી હતી. એલસીબી એ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી રૂપિયા 25 હજારના સ્કુટર સાથે આરોપીને બી-ડીવીઝન પોલીસના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.