કેટલાક જિલ્લામાં કેસ વધ્યા છે આ ચોથી લહેરનું કારણ નથી

55

ICMRના એડિશનલ ડિરેક્ટર જનરલે જણાવ્યું : કેટલાક ભાગોમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઊંચો આવ્યો છે, પરંતુ આ વધારો ટેસ્ટિંગમાં થયેલા ઘટાડાનું કારણ છે
પુણે, તા.૧
કોરોનાના નવા કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાવવાનો શરુ થયો છે. કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ ઉછાળો નોંધાયો છે. આ સાથે જ ચોથી લહેરની ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે, એવી પણ ચર્ચાઓ થવા લાગી છે કે ચોથી લહેરની શરુઆત પણ થઈ ગઈ છે. જોકે, આ અંગે એક્સપર્ટ દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. ICMR (Indian Council of Medical Research)ના અધિકારીએ વાત કરી હતી. જેમાં તેમણે કેટલાક મહત્વના મુદ્દા રજૂ કર્યા હતા.
કોરોનાના નવા કેસમાં વધારો થવાના મુદ્દે ICMR ના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. સમિરાન પાંડાએ જણાવ્યું કે, તાજેતરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તે માત્ર કેટલાક જિલ્લાઓમાં વધ્યા છે આ કોરોનાની ચોથી લહેરનું કારણ નથી. દેશના કેટલાક ભાગોમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઊંચો આવ્યો છે, પરંતુ ડૉ. પાંડા જણાવે છે કે, આ વધારો ટેસ્ટિંગમાં થયેલા ઘટાડાનું કારણ છે. તેમણે આ અંગે ઉદાહરણ આપતા જણાવ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગ વધવાની સાથે જ પોઝિટિવિટી રેટ (૭થી) ઘટીને ૫ થઈ ગયો છે.” તેમણે કહ્યું કે, “પોઝિટિવિટી રેટની ગણતરી ત્યારે થવી જોઈએ જ્યારે કોઈ જિલ્લા કે રાજ્યમાં પુરતા પ્રમાણમાં પરીક્ષણ થતું હોય અને તેની સામે વસ્તી પ્રમાણે જે આંકડો મળે તેના આધારે પોઝિટિવિટીનો રેટ નક્કી કરવો જોઈએ.” એટલે કે ટેસ્ટિંગની સંખ્યા ઘટી હોય અને કેસમાં વધારો થાય તે સ્વાભાવિક છે અને આમ થવાથી તેને ચોથી લહેરની ગણતરીમાં ના લઈ શકાય. ICMR ના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. સમિરાન પાંડાએ એ પણ જણાવ્યું કે, “માત્ર કેટલાક જિલ્લાઓમાં નવા કેસમાં સામાન્ય ઉછાળો નોંધાયો છે. આપણે જે ઉછાળો જોઈ રહ્યા છે તે સામાન્ય છે, કોઈ નવા વેરિયન્ટના કારણે શરુ થયેલી નવી લહેર નથી. આ વધારો હાલમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, આ ઉછાળો કોઈ રાજ્ય કે દેશભરમાં જોવા નથી મળ્યો.” આગળ તેમણે કહ્યું કે, આ સાથે હજુ સુધી ચોથી લહેરના કોઈ સંકેત હજુ સુધી મળ્યા નથી. ભારતમાં પાછલા કેટલાક દિવસથી જે કોરોનાના કેસ ૧૦૦૦ની અંદર આવી ગયા હતા તે ફરી વધી રહ્યા છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં નવા ૩,૩૨૪ કેસ નોંધાયા છે. જ્યારે ૪૦ દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૪,૩૦,૭૯,૧૮૮ થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૪૩ પર પહોંચી ગયો છે. ભારતમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં કોરોનાની પહેલી લહેર પીક પર પહોંચી હતી, આ પછી મે ૨૦૨૧માં બીજી અને જાન્યુઆરી ૨૦૨૨માં ત્રીજી લહેર પીક પર પહોંચી હતી.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩૨૪ નવા કેસ સામે આવ્યા
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૨૪ નવા કેસ નોંધાયા અને ૪૦ સંક્રમિતોના મોત થયા છે. શનિવારે ૩૬૮૮ નવા કેસ અને ૫૦ સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે ૩૩૭૭ નવા કોરોના કેસ અને ૬૦ લોકોના મોત થયા હતા. ગુરુવારે ૩૩૦૩ નવા કેસ અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે ૨૯૨૭ નવા કેસ અને ૩૨ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ૧૩૯૯ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૨૫૪૧ નવા કેસ અને ૩૦ સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે ૨૫૯૩ કેસ નોંધાયા હતા અને ૪૪ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૫૨૭ નવા કેસ અને ૩૩ સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯,૦૯૨ પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૮૪૩ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૩૬,૨૫૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૯,૧૭,૬૯,૩૪૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૨૫,૯૫,૨૬૭ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર ૫ લાખ જેટલા છે.

Previous articleમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા ૩૬૯ કરોડના ૪૨૯ વિકાસ કામોની ભેટ
Next articleકોસ્ટગાર્ડનાં ઓવરક્રાફ્ટમાં પેટ્રોલીંગ દરમિયાન ખામી સર્જાઈ, તળાજાનાં દરિયા કિનારે દોરડા દ્વારા ખેંચી લાવી બીચ કરવાની ફરજ પડી