એક તરફ બમ્પની મંજુરી નહિ બીજી બાજુ ગેરકાયદે ખડકાયા તેની સામે કાર્યવાહી નહિ ! : કાળિયાબીડમાં વારંવાર અકસ્માતો છતાં સ્પીડ બ્રેકર નહિ મૂકી મ્યુ.રોડ વિભાગ કોર્પોરેટરને ઉઠા ભણાવતું રહ્યું !
ભાવનગરમાં કેન્દ્રની ગાઈડલાઈનને આગળ ધરી મ્યુ.રોડ વિભાગે રાતના અંધારામાં જાહેર રસ્તા પરના બમ્પ રાતોરાત દૂર કરી દીધા હતા. જયારે અકસ્માત અટકાવવા કે વાહનોની ગતિ નિયંત્રણ માટે આજ સુધી બીજા કોઈ પગલા ભરાયાનું ધ્યાને નથી. શહેરમાં રાજકીય પ્રેશરથી અમુક ચોક્કસ જગ્યાએ બમ્પ બનાવી દેવાયા છે જયારે સાચી જરૂરીયાત હોય ત્યાં કેન્દ્રની ગાઈડલાઈનની ડુંગડુગી વગાડી તંત્ર મનસ્વી રીતે વર્તી રહ્યું છે. આ મામલે ચૂંટાયેલા કોર્પોરેટર પણ વ્યાકુળ જણાયા હતા. મ્યુ. સામાન્ય સભામાં કાળીયાબીડના કોર્પોરેટરોએ તંત્ર સામે ફરિયાદના સુરમાં વ્યથા ઠાલવી હતી. ભાવનગરમાં અકસ્માત અટકાવતા સ્પીડ બ્રેકર કેટલા છે.? તેવો પ્રશ્ન ભાજપના નગરસેવક પરેશ પંડ્યાએ પૂછ્યો હતો. મ્યુ.રોડ વિભાગને મૌખિક, લેખિત રજુઆત છતાં કોર્પોરેટર કક્ષાની વ્યક્તિની વાતને ધ્યાને નહીં લેવાતા તેઓ અકળાયા હતા અને સભામાં પ્રશ્ન પૂછી તંત્રને ભીસમાં લીધું હતું. પ્રશ્નના ઉત્તરમાં મ્યુ.રોડ વિભાગે શહેરમાં ૫ સ્થળે માત્ર ૭ સ્પીડ બ્રેકરને કાયદેસરની અનુમતી આપી હોવા સાથે સ્પીડ બ્રેકરની મંજૂરી માટે કેન્દ્રની ગાઈડલાઈન વાંચી સંભળાવી હતી, જેમાં અકસ્માત સર્જવાના ભય હોય તેવા કે વારંવાર અકસ્માત સર્જતાં સ્થળે સ્પીડ બ્રેકર મૂકી આપવાની જોગવાઈ છતાં મ્યુ. તંત્ર ગુનાહિત બેદરકારી દાખવતું હોવાનું પુરવાર કર્યું હતું. કાળીયાબીડમાં પાણીની ટાંકીથી સાગવાડીના રસ્તે ચાર રસ્તા પર અકસ્માતની ઘટના રોજીંદી બની છે અત્યાર સુધીમાં ૩ માનવ મૃત્યુ થયા છે છતાં મ્યુ.રોડ વિભાગ સ્પીડ બ્રેકર નહિ મૂકી આપી ઉઠા ભણાવતું હોવાનું પુરવાર કર્યું હતું, સાથે ટ્રાફિક સમિતિની ભલામણ છતાં મ્યુ.રોડ વિભાગએ રજુઆત ધ્યાને નહિ લીધાનો રોષ કોર્પોરેટર પરેશ પંડ્યાએ વ્યક્ત કર્યો હતો. જયારે સાથી કોર્પોરેટર વર્ષાબા પરમારે કાળીયાબીડમાં એક ખાનગી સ્કૂલ દ્વારા મનસ્વી રીતે ગેરકાયદે સ્પીડ બ્રેકર બનાવી દીધા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નહિ કરતું હોવાનું જણાવી તંત્રની બેધારી નીતિ ખુલ્લી પાડી હતી. આ બંને રજુઆતમાં કમનસીબીની વાત એ છે કે શાસક ભાજપના સભ્યોની મ્યુ. તંત્ર વાહકોએ કાને વાત નહિ ધરતા ફરિયાદી બનવાનો વારો આવ્યો હતો.!
આ ચાર સ્થળે ૭ બમ્પ કાયદેસર…
શહેરમાં અક્ષરવાડી, હિમાંલીયા મોલ, રસાલા કેમ્પમાં ગુરુદ્વારા અને યુનિવર્સિટી ગેટ સામે એમ ચાર સ્થળે મળીને ૭ બમ્પને કાયદેસર મંજૂરી આપી હોવાનો મ્યુ.તંત્રએ એકરાર કર્યો હતો. જ્યારે બાકીના કોઈ સ્થળે બમ્પ જરૂરી નહિ હોવાનું તંત્રનું માનવું છે!!