ભાઇઓ તથા ભાઇઓ પૂરૂષોના માન સન્માનની રક્ષા કાજે મેરેજ સ્ટ્રાઇક પર ઉતરો-રાજુ રદીની હાકલ!!

69

“ગિરધરભાઇ.આ કેવા પ્રકારની સ્ટ્રાઇક છે?” રાજુ રદીએ મારા ઘરમાં પ્રવેશ કરતાં પૃચ્છા કરી.
“ રાજુ એને પુતિન સ્ટ્રાઇક કહેવાય. પણ દોઢ મહિનો થયા છતાં કીડી જેવા સુક્રેનને પુતિન મસળી શકયા નથી ઝેલેન્સકીએ પુતિનની ઇમેજનો ફાલુદા કરી નાંખ્યો.”
મેં રાજુને અપ ડેટ આપી. મને એમ કે રાજુ ઇમ્પ્રેસ થશે.
“ મારા સવાલનો જવાબ આપોને ? રશિયાની મેથી માર્યા વગર” રાજુ ધણીયાણીની જેમ ધગી ગયો.” રાજુ. એમાં એવું છે ને કે છેલ્લા બોલ સુધી લડવાની શેખી મારનાર ઇમરાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભયંકર ફજેતી કરાવી. અવિશ્વાસનો પ્રસ્તાવ મતદાન વિના રદ કરાવવો, એસેમ્બલીનો ભંગ કરવી. ત્રાહિતને કાર્યવાહક પીએમ બનાવવો, સતા છોડવા શરત રાખવી, સ્પીકર/ ડેપ્યુટેશન સ્પીકરે અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન કરાવવા ઇન્કાર કરવો. આ બધું પાકિસ્તાનમાં લોકશાહી નબળી છે તેનો સોલિડ પુરાવો છે.” હું શંકરઅહસાનની જેમ બ્રેથલેસ બોલી ગયો.રાજુએ ડોળા કાતર્યા.
“ ભૈ સાબ તોબા તોબા તમાશાથી તોબા. ભાભીને ધન્યવાદ છે કે તમને સહન કરે છે”રાજુ તોબરો ચડાવી ઉભો રહી ગયો.
“ બોલ, રાજુ કંઇ સ્ટ્રાઇકની વાત કરતો હતો?”મેં રાજુના ખભે વાત કરી હળવેથી પૂછયું .
આજે છાપામાં મેરેજ સ્ટ્રાઇકનું કૈંક આવ્યું છે!! મને એ ન સમજાયું.”રાજુએ માથું ખંજવાળતા પૂછયું.
“ રાજુ. જે સ્ટ્રાઇક હું કરી શકું તેમ નથી. તું હિંમત કરી શકું તેન નથી તેને મેરેજ સ્ટ્રાઇક કહેવાય” મેં રાજુને કહ્યું.
“ ગિરધરભાઇ.લોકો પોતાની માંગણી સંતોષવા હડતાળ કરે, ધરણા ધરે, દેખાવો કરે, સરકારના કે નેતાના પૂતળા બાળે.ઉપવાસ કરે. આંદોલન કરે. આમરણાંત ઉપવાસ કરે. હલ્લાબોલ કરે.
આ સમાજમાં કુંવારાની કોઇ કિંમત નથી. સારા-માઠા પ્રસંગોએ કોઇ આમંત્રણ આપે નહીં. મકાન ભાડે આપે નહીં. કોઇ પૈસા આપીને જમાડે નહીં. કુંવારાની દશા ધોબીના કૂતરા જેવી ન ઘરના અને ઘાટના !!
જયારે કોઇ ઝઘડો થાય ત્યારે હાજર લોકો પુરુષને બદલે મહિલાનો પક્ષ લે. મહિલા તો મહિલા તો મહિલાનો પક્ષ લે પણ પુરૂષો પણ પૂરૂષોનો પક્ષ લેવાના બદલે પાટવી બદલું નેતાની જેમ મહિલાનો પક્ષ લે છે.વાસ્તવમાં પૂરૂષો સ્ત્રીઓને અન્યાય કરતા નથી પણ સ્ત્રીઓ જ સ્ત્રીઓને અન્યાય કરે છે. ગૃહ કંકાસનું મૂળ ક્યારેય પૂરૂષો નહીં પણ સ્ત્રીઓ છે!! સ્ત્રીને નણંદ, ભાભી, દેરાણી, જેઠાણી,સાસુ,ફઇ, કાકી વેવાણ નડે છે.” રાજુએ ઇતિહાસ ખંગાળ્યો.“ રાજુ.પૂરૂષ સ્ત્રીઓનો ત્રાસ સહન કરે છે. ઉડતા વેલણ,ચિપિયા કે તાવીથાનો માર સહન કરે છે.તેમ છતાં તેની સામે ગુનો નોંધાય છે. અટકાયત કરવામાં આવે છે.દંડ કે સજા કરવામાં આવે છે.પત્ની અત્યાચાર વિરોધી મોરચા ખોલવામાં આવે છે. ૫૬ ઇંચની છાતીવાળા પત્નીનો ત્યાગ કરે છે!!
વિવાહને લગતા કાયદા સ્ત્રીઓની એક તરફેણમાં હોય છે તેને પગલે પુરુષો પોતાના ઉપર મહિલાઓ દ્વારા થતા અત્યાચાર અંગે જાહેરમાં આવતા સંકોચ અનુભવે છે અને આપઘાત જેવા પગલાં ભરે છે. ભારતમાં ૨૦૨૦માં કુલ ૧.૫૩ લાખ આત્મહત્યાઓ પૈકી ૧.૦૮ લાખ આત્મહત્યાઓ પુરુષોની હતી . હૈદરાબાદમાં ૧૬ અને ૧૭ એપ્રિલના રોજ યોજાનાર સંમેલનમાં ગુજરાતમાંથી ૨૫ અને દેશમાંથી ૩૫૦થી વધુ પુરુષો હાજર રહેશે. તેમનો ઉદ્દેશ પુરુષોના અધિકાર માટેની ક્રાંતિનો ફેલાવો કરવો અને તેનું પ્લાનિંગ કરવું, પુરુષોને ન્યાય અપાવવો, લગ્નથી દૂર રહેવું અથવા રાજકારણી નેતાઓને એકતરફી કાયદા બદલવા માટે ભાર મૂકવો છે.
ભારતમાં ૩.૫ કરોડ પુરુષો ઘરેલુ હિંસાના શિકાર બન્યા છે.વર્ષે ૭ લાખથી વધારે વિવાહ તૂટી રહ્યા છે. આ સમસ્યાને લીધે દર વર્ષે ૨ લાખ બાળકો પિતાનો સંપર્ક ગુમાવી રહ્યાં છે.
નવેમ્બરમાં શરૂ થયેલા સોશિયલ મીડિયાના કેમ્પેન ‘મેરેજ સ્ટ્રાઇક’ પર ૧.૩૫ લાખ લોકોએ કામ કર્યું છે અને સહમત થયા છે. આ અંગેના કોન્કલેવમાં ૩૫૦ લોકો હાજર રહેશે. વૈવાહિક કાયદા એક તરફી સ્ત્રીઓ રક્ષણ કરતા હોવાને પગલે કૌટુંબિક વ્યવસ્થા અને ભારતીય કલ્ચર ખોરવાઈ રહ્યું છે તબક્કાવાર પુરુષ જાતિ વિનાશ તરફ જઈ રહી છે.
પીડિત પૂરૂષો સન્માન માંગી રહ્યા છે.તેઓ સમાનતા અને સ્વતંત્રતાના બંધારણીય હક પુરુષ અને સ્ત્રીને સમાન મળવા જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે.ટૂંકા લગ્નજીવનમાં જિંદગીભરની ખોરાકી આપવાથી પુરુષનું સ્વાતંત્ર્ય નષ્ટ થાય છે તેમાં બદલાવ.
કોર્ટ કેસ લડી રહ્યા હોય તેવા એન.આર.આઈ પુરુષો માટે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે.ઘરેલુ હિંસા કાયદામાં બદલાવ કરીને આવી રહેલા પુરુષોનું રક્ષણ કરવામાં આવે.છૂટાછેડા લેતા પતિ-પત્નીનાં બાળકો માટે શેડૅ પેરેન્ટિંગ વ્યવસ્થા શરૂ કરવી જોઇએ.ખોટા પોસ્કો કેસ કરનાર લોકો વકીલો અને પોલીસ પર દંડ અને સજા થવી જોઈએ.” મેં વિગતવાર માહિતી આપી.
રાજુ રદીએ જોશભેર હાકલ કરી કે જોઇ શું રહ્યા છો? પૂરૂષોની અસ્મિતા અને આબરુંનો પ્રશ્ર છે. કોઇ વેવલાવેડા કે વિતંડાવેડાનહીં. નક્કર કામગીરી જોઇએ.જો આ વખતે ઝૂકી જશો તો કાયમી ઝૂકવું પડશે. કુંવારા લોકો લગ્નના લાકડાના લાડુથી દૂર રહો. તમારે ગુલામી સિવાય કાંઇ ગુમાવવાનું નથી. તમારા માન સન્માન આત્મરક્ષણ માટે મેરેજસ્ટ્રાઇકમાં જોડાઇ જાવ. આવાજ દો હમ એક હૈ. એક દો તીન ચાર. ગુલામીની જંજીર તોડ દો !!
– ભરત વૈષ્ણવ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારતમાં આ વખતે ગરમીનો પારો ૫૦ ડીગ્રી પર પહોંચવાનો અંદાજ