ભારતમાં આ વખતે ગરમીનો પારો ૫૦ ડીગ્રી પર પહોંચવાનો અંદાજ

65

કેન્દ્રએ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડવાઈઝરી બહાર પાડી, નાગરિકોને જણાવાયું કે હીટસ્ટ્રોકના કિસ્સામાં શું કરવું અને શું ન કરવું
નવી દિલ્હી, તા.૨
દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડવાઈઝરી બહાર પાડી છે. એડવાઈઝરીમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાગરિકોને જણાવ્યું હતું કે, હીટસ્ટ્રોકના કિસ્સામાં શું કરવું અને શું ન કરવું જોઈએ. આ સાથે રાજ્ય સરકારોને હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે પૂરતી આરોગ્ય સુવિધાઓ અને અન્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે પરંતુ ત્યારબાદ ફરી ગરમીનો પારો વધશે. આઈએમડીએ ઉત્તર ભારતમાં આ વખતે તાપમાન ૫૦ ડિગ્રીથી ઉપર પહોંચવાનો અંદાજ લગાવ્યો છે.
કેન્દ્ર સરકારની આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે ઉત્તર ભારતમાં આકરી ગરમીએ ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૯૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મધ્ય ભારતમાં તે ૩૭.૭૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે છેલ્લા ૧૨૦ વર્ષમાં સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાએ તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દિલ્હીની ગરમીએ ૭૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેનું મુખ્ય કારણ વાતાવરણમાં ફેરફાર અને ખૂબ ઓછો વરસાદ હોવાનું સામે આવી રહ્યું છે. ૧ માર્ચથી ૩૦ એપ્રિલની વચ્ચે સમગ્ર દેશમાં ૩૨ ટકા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ૮૬ ટકા ઓછો વરસાદ પડ્યો હતો. ઉનાળાની આ કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે. સખત ગરમીમાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો. સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ઓઆરએસ વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ, દારૂથી દૂર રહો. સરકારે કહ્યું છે કે, નવજાત અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક રીતે અસ્વસ્થ લોકો અને બહાર કામ કરતા લોકોને હીટસ્ટ્રોકનું જોખમ વધારે છે. ચક્કર આવવા, હાથ એડી અને પગની ઘૂંટીઓમાં સોજો, સ્નાયુઓની નબળાઈ, અકડામણ, શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી ફેરનહીટથી ઉપર, ઉલટી, હૃદયના ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને મેડિકલ ઈમરજન્સી તરીકે ગણવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો તમને હીટસ્ટ્રોકના ગંભીર લક્ષણો દેખાય તો ૧૦૮/૧૦૨ હેલ્પલાઈનનો સંપર્ક કરો. કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્ય સરકારોને આઈવી પ્રવાહી, ઓઆરએસ, આઈસ પેક, ઠંડુ પાણી અને આવશ્યક દવાઓ આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો. હીટસ્ટ્રોકના કેસોના અસરકારક સંચાલન માટે તમામ જિલ્લાઓને ’ગરમી સંબંધિત બિમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના’ પર માર્ગદર્શિકાના દસ્તાવેજો મોકલવા જોઈએ. સાથે જ ૧ માર્ચથી તમામ રાજ્યોમાં ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) હેઠળ ગરમી સંબંધિત બિમારીની દરરોજ દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે.

Previous articleભાઇઓ તથા ભાઇઓ પૂરૂષોના માન સન્માનની રક્ષા કાજે મેરેજ સ્ટ્રાઇક પર ઉતરો-રાજુ રદીની હાકલ!!
Next articleતાલાલા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા