મુંબઇ,તા.૩
પૃથ્વી શોની ઉંમર નાની હતી, કદમાં નાનો હતો, પરંતુ તેના સપના મોટા હતા. એ સપનાઓને તેણે પાંખો આપી અને તે સફળતાની સીડી ચડતો ગયો. તે માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું. આ પછી તેના પિતાએ તેની સંભાળ લીધી અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી. પૃથ્વી શૉના પિતાએ પણ તેમના પુત્રના ક્રિકેટ પાછળ તેમનો વ્યવસાય છોડી દીધો હતો, કારણ કે તેમને વિશ્વાસ હતો કે પુત્ર તેમના નામને ગૌરવ અપાવશે અને તે જ થયું. નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પૃથ્વી શૉએ મુંબઈમાં મોંઘું ઘર ખરીદ્યું છે. અગાઉ તેણે મોંઘી કાર પણ ખરીદી હતી. પોતાનું ઘર ખરીદવું કે બનાવવું એ દરેકનું સપનું હોય છે. બેટ્સમેન પૃથ્વી શૉએ પણ આ સપનું સાકાર કર્યું છે. પૃથ્વી શૉએ મુંબઈના બાંદ્રા રિક્લેમેશનમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત સાડા ૧૦ કરોડ રૂપિયા છે. ઈન્ડેક્સ ટેપના રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉએ જે પ્રીમિયમ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે તેનો કાર્પેટ એરિયા ૨૨૦૯ ચોરસ ફૂટ છે, જ્યારે ટેરેસ ૧૬૫૪ ચોરસ ફૂટ છે. તેનું એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ ૮૧ ઓરિએટ ખાતે આવેલું છે. તેની સ્ટેમ્પ ડ્યુટી પાછળ ૫૨.૫૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
પૃથ્વી શૉએ ૧૮ વર્ષની ઉંમરે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી, જ્યારે તે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો ત્યારે ડેબ્યૂમાં ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. દિલ્હી કેપિટલ્સે તેને આઇપીએલ ૨૦૨૨ પહેલા જાળવી રાખ્યો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે.