“ગિરધરભાઇ. તમે જલ્દી મારા ઘરે આવો” નટુભાઇ-રાજુ રદીના પિતાજીએ ગભરાયેલ અવાજે ફોન પર વિનંતી કરી.
કંઇ પણ પ્રકારની પડપૂછ કર્યા સિવાય હું રાજુ રદીના ઘરે પહોંચ્યો.
નટુભાઇ પાછળ હાથ રાખી અકારણ આમતેમ આંટા મારતા હતા. રાજુની મા રડતી હતી. સિન બહું જ ઇમોશનલ બની ગયેલો. કદાચ જાવેદ સાહેબે લખ્યો હશે. ઘરમાં તનાવ, દુખ, ઉતેજનાનો મોહોલ!!
“ નટુભાઇ , શું થયું છે? મને કાંઇક ફોડ પાડીને વાત કરો.” મેં તેના ખભે હાથ રાખીને કહ્યું
“ ગિરધરભાઇ . રાજુ રૂમ અંદરથી બંધ કરી ત્રણ કલાકથી અંદર બેઠો છે. રૂમનું બારણું ખખડાવ્યું પણ જવાબ આપતો નથી.મને ચિંતા થાય છે” આટલું બોલતા નટુભાઇએ મહાપરાણે રોકી રાખેલા આંસુઓ બળવો કરીને આંખની બહાર ધસી આવ્યા. મેં તેને આશ્વાસન આપ્યું. પાણીનો ગ્લાસ મંગાવી પાણી પિવડાવ્યું.
ઓહ નો! યેસ!! રાજુ રદી કોપભવનમાં ગયો છે. જુના જમાનામાં રાણીઓ પફ, પાવડર, લિપસ્ટિક, ઝોમેટામાંથી પિત્ઝા મંગાવવા કે આસોપાલવમાંથી પટોળા કે તનિસ્કમાંથી આભૂષણો લેવા માટે ઇન્ડેન્ટ ભરતી. ઇન્ડેન્ટ પર પ્રોસેસ ન થવાના કારણે કે પોતાના અસ્તિત્વની રાજા પાસે નોંધ લેવડાવવા કોપભવનમાં જતી રહેતી. કોપભવન અલાયદી ઇમારત હતું કે મહેલનો ભાગ હતું તેનો ઉલ્લેખ મળતો નથી. તેમાં કેસેટ કે સ્લીપ્ટ કે વિન્ડો એસી કે એરકુલર હતા, ત્યાં પેન્ટ્રી હતી કે કેમ તેનો ઉલ્લેખ પણ નથી. ત્યાં રાજા સાથે વાત કરવા હોટલાઇન હતી કે લેન્ડલાઇન હતી તેની પણ વિગતો નથી.તેની ડિઝાઇન ગુસ્સો રિલિઝ થાય તેવી હતી તેની પણ વિગતો નથી. એ સમયમાં રાજા રાણીથી ગુસ્સે થઇને કોપભવનમાં જતા કે કેમ તેના પણ પૂવર્દ્રષ્ટાંત નથી .નટુભાઇએ મને ખભેથી હડબડાવ્યો કે મારી વિચારયાત્રા વિરામ પામી.
“ રાજુ, એં રાજુ.” મેં દરવાજાને નોક કરીને રાજુને હળવી બુમ મારી.
“ મારે તમારી સાથે વાત કરવી નથી.” રાજુએ અંદરથી કહ્યું.
રાજુ. દરેક સમસ્યાનો હલ હોય છે. કમરામાં પુરાઇ જવાથી તારો સવાલ હલ થશે નહીં. નચુભાઇનો વાંક હશે તો નટુભાઇને પણ બે શબ્દો કહીશ.” મેં રાજુને ખાતરી આપી.
“ બધો વાંક મારા બાપાનો છે. મને પેદા કર્યો ત્યારથી સમસ્યા ઉભી થઇ. હવે ઝખ્મ નાસુર થયો છે.” રાજુ પ્રાઇમસની જેમ ફાટ્યો .
રાજુ. પણ તારો પ્રશ્ર શું છે?” મેં રાજુને પૂછયું
રાજુએ જવાબમાં આજનું છાપું બારણાની નીચેથી બહાર સરકાવ્યું!!
ગિરધરભાઇ. પેલાં કપરાડાવાળા સમાચાર જુઓ” રાજુએ અંદરથી મને અધ્યાદેશ કર્યો!!
મેં બારણા નીચેથી વર્તમાનપત્ર ઉઠાવ્યું. વર્તમાનપત્રમાં સમાચાર હતા.” વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક જ ઘરમાં બે પત્નીઓ હળી મળીને પણ રહેતી હોવાના કિસ્સા જોવા મળી શકશે, પરંતુ એક સાથે બે મહિલા (Women) સાથે લગ્ન (Marriage) કરવાની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના આગામી ૯ મી મેના રોજ બનવા જઇ રહી છે. એક યુવક બે મહિલા સાથે એક જ લગ્ન મંડપમાં લગ્નના મંગળફેરા ફરશે.વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલ પ્રકાશ હરજીભાઇ ગાંવિત નાનાપોંઢા ગામના મંગળભાઇની પુત્રી અને મોટી વહિયાળ ગામના રમેશભાઇની પુત્રી મળી બે કન્યા સાથે લગ્ન કરી બંનેને એક જ મંડપમાં મંગળસૂત્ર પહેરાવશે. જેના માટે તેણે કંકોત્રી પણ છપાવી છે અને આ કંકોત્રીમાં એક વર અને બે વધુના નામ હોય સોશ્યલ મિડિયામાં તે વાઇરલ થઇ છે. આ બંને મહિલાઓ પ્રકાશ સાથે વર્ષોથી રહે છે. બંને થકી પ્રકાશને કુલ ચાર સંતાન પણ છે. બંને લગ્ન વિના રહેતી હોય હવે પ્રકાશ બંનેની સાથે એક મંડપમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. એક સાથે બે પત્ની રાખવી સામાન્ય છે, પરંતુ બંને સાથે એક સાથે લગ્ન કરવાની ઘટના થોડી આશ્ચર્યજનક છે. બે વર્ષ અગાઉ વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડીમાં એક જ લગ્ન મંડપમાં વરરાજો બે કન્યાઓ સાથે લગ્નગ્રંથીમાં જોડાયો હતો. “ “ રાજુ. એમાં તને શું વાંધો છે?” મેં નિર્દોષ સવાલ પૂછ્યો.
રૂમનું બારણું ખોલી ,રાજુ ગર્જ્યો, “ ગિરધરભાઇ વાંધો કેમ ન હોય? હું પંદર વરસથી ાવાંઢો છું.તમે મને ઢાંઢો કહી મારો ઉપાલંભ કરો છો. એક તો દર હજાર પુરૂષે સ્ત્રીની સંખ્યા ઓછી છે. છોકરા કરતા છોકરી વધુ ભણે છે, વધુ કમાય છે. કેરિયર માટે કુંવારી રહે છે. કેટલીક બ્રહ્મકુમારીમાં જવાથી- મહાસતીજી થવામાં કુંવારી રહે છે એટલે લગ્નોતત્સુક કન્યાની સંખ્યા ઘટે છે. અમારા જેવા સામાન્ય આવક અને દેખાવવાળા લગ્નના માયરાસુધી પહોંચી શકતા નથી!! એવામાં આવા નસીબના બળિયાને એક કન્યા સાથે એક કન્યા ફ્રી મળે તો અમારું લાકડેમાંકડું સાત ભવે પણ ના ગોઠવાય. ભગવાન રામને ભજનારા એકપત્નીવ્રતનું પાલન કરવાને બદલે કૃષ્ણ ભગવાને અનુસરે છે!! પછી અમારી? પાછળ લીલ પરણાવવી પડશે!” રાજુએ પુણ્ય પ્રકોપ વરસાવ્યો! કહે છે કે રાજુ રદી કપરાડાના નાના પોંઢા ગામે નવમી મે ના રોજ થનાર લગ્ન અટકાવવા અખિલ ભારતીય વાંઢાઓની વિશાળ ફોજ લઇને આક્રમણ કરવાનો છે!
– ભરત વૈષ્ણવ