ડેનમાર્કના પ્રધાનમંત્રીએ મોદીનું સ્વાગત કર્યું : ડાલમિયા સીમેન્ટ અને FL Smith વચ્ચે ભવિષ્યની જરૂરીયાત માટે નવા સીમેન્ટ બનાવવા પર કરાર થયો
કોપેનહેગન, તા.૩
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા હતા. અહીં ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સેને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન ભારત અને ડેનમાર્ક વચ્ચે સ્વચ્છ પાણી, માછલી પાલન પર કેન્દ્ર બનાવવા, કૌશલ્ય વિકાસ, માઇગ્રેશન અને મોબિલિટી પર સમજુતી સહિત અન્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે ઘણી કારોબારી સમજુતી પર પણ સહી કરવામાં આવી છે, જેમાં ડાલમિયા સીમેન્ટ અને FL Smith વચ્ચે ભવિષ્યની જરૂરીયાત માટે નવા સીમેન્ટ બનાવવા પર કરાર થયો છે. પીએમ મોદી અને મેટે ફ્રેડેરિક્સેને રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ વાત કરી છે. ડેનમાર્કના પીએમે કહ્યું- અમે બે લોકતંત્ર છીએ. નજીકના સહયોગી તરીકે અમે યુક્રેન સંકટ પર વાત કરી છે. પુતિને આ યુદ્ધ રોકવું પડશે. આશા છે કે ભારત પણ તેમાં રશિયાને પ્રભાવિત કરશે અને યુદ્ધ રોકવામાં સહાયક બનશે. તો પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને ડેનમાર્કના સંબંધો પર વાત કરવાની સાથે અમે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દા પર ચર્ચા કરી છે. અમે યુક્રેન યુદ્ધને તત્કાલ રોકવા અને શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાનનો માર્ગ કાઢવા પર ભાર આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણા બંનેના લોકતંત્ર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યો તો ધરાવે છે. અમે હરિત રણનીતિની ભાગીદારી પર વિશેષ ટાસ્ક ફોર્સની સમીક્ષા કરી છે. ભારતમાં ૨૦૦થી વધુ ડેનિશ કંપનીઓ છે. આશા છે કે અમારો સહયોગ ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું- ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને ગ્રીન ઇન્ડસ્ટ્રીઝમાં ડેનિશ કંપનીઝ અનેDanish Pension Funds (ડેનિશ પેન્શન ફંડ્સ) માટે રોકાણની સારી તક છે. હવે પીએમ મોદી બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદી જર્મનીથી અહીં પહોંચ્યા છે. તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝ સાથે વિસ્તૃત દ્વિપક્ષીય ચર્ચા કરી અને ભારત-જર્મની અંતર-સરકારી પરામર્શની સહ-અધ્યક્ષતા કરી હતી. ડેનિશ પ્રધાનમંત્રીએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.