અર્થતંત્ર ભલે આગળ વધે પણ વિકાસના અંદાજ ખોટા પડશે : આઈએમએફએ રિપોર્ટમાં કહ્યું કે વર્ષ ૨૦૨૮ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૪.૯૨ લાખ કરોડનું થઈ જશે
નવી દિલ્હી, તા.૩
ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ભલે ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ મોદી સરકારે મુકેલ ૫ લાખ કરોડ ડોલરના અર્થતંત્રનો અંદાજ નાણાંકીય વર્ષ ૨૦૨૯ સુધી પુરો થવાની કોઈ સંભાવના નથી તેમ આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝડપી સર્વાંગી વિકાસની હાકલને અનુરૂપ નાણા મંત્રાલયે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ એટલેકે એફવાય૨૫ સુધીમાં ભારત ૫ ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે ભારતને આ લક્ષ્યાંક સુધી પહોંચતા વધુ સમય લાગશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું છે. આઈએમએફના ડેટા અનુસાર આ ૫ ટ્રિલિયન ડોલર વિઝન ૨૦૨૮-૨૯ એટલેકે નાણાંકીય વર્ષ એફવાય૨૯માં પ્રાપ્ત થઈ શકે છે. આઈએમએફનું માનવું છે કે ભારતને આ માઈલસ્ટોન હાંસલ કરવામાં ચાર વર્ષનો વિલંબ થશે.
૨ ફેબ્રુઆરીએ રજૂ થયેલ કેન્દ્રિય બજેટ ૨૦૨૨-૨૩ બાદ મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) વી અનંત નાગેશ્વરને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં ૮-૯ ટકાના ટકાઉ વૃદ્ધિ દરને આધારે ભારત ૨૦૨૫-૨૬ અથવા તે પછીના વર્ષ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. નાગેશ્વરને કહ્યું હતું કે ડોલરના સંદર્ભમાં જીડીપી ૩ ટ્રિલિયન ડોલરનો આંકડો વટાવી ચૂક્યો છે. આઈએમએફએ રિપોર્ટમાં કહ્યું કે ૨૦૨૮ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૪.૯૨ લાખ કરોડનું થઈ જશે એટલેકે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૯ સુધીમાં ભારતીય અર્થતંત્ર ૫ ટ્રિલિયન ડોલરને પાર થઈ શકશે. વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ૨૦૨૪-૨૫ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનાવવાની કલ્પના કરી હતી. જો ભારત આ લક્ષ્યાંક સમયસર હાસલ કરી તો ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.