૪૨ પ્લાન્ટ રાજ્ય સરકાર હેઠળ છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળમાં હાલત સૌથી ખરાબ છે : આ રાજ્યોમાં લોકો અઘોષિત વીજ કાપથી ભારે પરેશાન
નવી દિલ્હી, તા.૩
ઉનાળાની કાળઝાળ ગરમી સાથે સાથે દેશના તમામ રાજ્યો આ દિવસોમાં વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીજ સંકટ પાછળનું મુખ્ય કારણ કોલસાની માંગમાં વધારો અને અછત છે. ભારતમાં એપ્રિલ મહિનામાં વીજળીની માગ ૧૩.૬ ટકાથી વધીને ૧૩૨.૯૮ બિલિયન યુનિટ પહોંચી ગઈ હતી. ગયા વર્ષે અપ્રિલમાં દેશમાં વિજળીનો વપરાશ ૧૧૭.૦૮ બિલિયન જોવા મળ્યો હતો. એપ્રિલની શરૂઆતથી ઝારખંડ સરેરાશ ૧૦-૧૨ ટકા વીજ પુરવઠાની તંગીનો સામનો કરી રહ્યું છે. આ દેશની હાલત સૌથી ખરાબ છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ (૧૦%), ઉત્તરાખંડ (૮-૧૦%), મધ્ય પ્રદેશ (૬%) અને હરિયાણા (૪%) આવે છે. દેશના ૧૫૦ પાવર પ્લાન્ટમાંથી ૬૦% એટલે કે ૮૮માં કોલસાની અછત છે. કોલસાની અછત ધરાવતા ૮૮ પાવર પ્લાન્ટમાંથી ૪૨ રાજ્ય સરકાર હેઠળ છે. અહેવાલ અનુસાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળમાં હાલત સૌથી ખરાબ છે. રાજસ્થાનમાં રાજ્ય સરકાર હેઠળ ૭ પાવર પ્લાન્ટ છે. આ તમામમાં કોલસાની અછત છે. આ સિવાય મહારાષ્ટ્રના ૭માંથી ૬, બંગાળમાં ૬માંથી ૬, તમિલનાડુમાં ૪માંથી ૪, ઉત્તર પ્રદેશમાં ૪માંથી ૩ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. એમપીના ૪માંથી ૩ પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ-કર્ણાટકમાં ૩-૩ પાવર પ્લાન્ટ છે જે કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ સિવાય હરિયાણા અને ગુજરાતમાં ૩માંથી ૨ પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી છે. દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની માગ ખૂબ ઝડપીથી વધી છે. આ સ્થિતીમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હિમાચલમાં કોલસાની અછતના અહેવાલો સામે આવ્યા છે. એટલું જ નહીં, આ રાજ્યોમાં લોકો અઘોષિત વીજ કાપથી પણ પરેશાન છે. હરિયાણામાં વીજળીની માગ ૯૦૦૦એમડબલ્યુ સુધી પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં ૧૫૦૦ એમડબલ્યુ પાવરની અછત છે. બીજી તરફ પંજાબમાં ૧૭૨૫ એમડબલ્યુ પાવરની અછત છે. પંજાબમાં છેલ્લા ૧ મહિનામાં માગ ૩૩ ટકા વધી છે. જેના કારણે બંને રાજ્યોમાં વીજ કાપ છે. બીજી બાજુ મફત વીજળીનું વચન આપીને પંજાબમાં સરકારમાં આવેલી એએપી આ દિવસોમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. વાસ્તવમાં અહીં વીજળી કાપના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે.