મુખ્યમંત્રી પટેલનો ભાવેણાને કોલ : કલા, સંસ્કૃતિ અને સાહિત્યની નગરી ભાવનગર વિકાસ નગરી બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

51

ભાવેણાંના ૩૦૦માં વર્ષની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ વિષયો સાથે કરવામાં આવશે : શિક્ષણ મંત્રી
ભાવનગર શહેરના જન્મોત્સવમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ખાસ ઉપસ્થિત રહી કલા, સંસ્કૃતિ, સાહિત્યની નગરી ભાવનગર વિકાસ નગરી બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો કોલ આપ્યો હતો.

ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો માટે ખ્યાત ભાવનગર વિઝનરી રાજાઓના કારણે આ શહેર ફુલ્યુ- ફાલ્યું છે તેમ જણાવી દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર ભાવનગર સ્ટેટના પુણ્ય શ્લોક રાજવી કૃષ્ણકુમારસિંહજી સહિતના રાજવીઓને યાદ કર્યા હતા. ૨૯૯માં જન્મદિન પ્રસંગે બનાવાયેલ ૨૯૯ કિલોના લાડુ સાથે રાજપરા ખોડિયાર મંદિરે યોજાયેલી મહાઆરતીમાં પણ સી.એમ સહભાગી બન્યા હતા. ભાવનગર કાર્નિવલના ત્રિદીવસીય ઉત્સવના બીજા દિવસે બોર તળાવને કાંઠે જળાહળાં રોશનીથી રોશન વાતારણમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કલા, સંસ્કૃતિ, સાહિત્યની નગરી વિકાસ નગરી બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભાવનગર તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો માટે ખ્યાત છે. અનેક કલાવીદો, શિક્ષણવિદો તથા નાટ્યકારો ભાવનગરે આપ્યાં છે, ત્યારે આ નગર તેનો વારસો-વૈભવ ટકાવીને આગળ વધે. ભાવનગરના રાજવીઓ શહેરના ઉધ્વગામી વિકાસ માટે તે જમાનામાં વિશ્વવિખ્યાત ઈજનેર વિશ્વસરૈયા પાસે ડિઝાઇન તૈયાર કરાવીને બોરતળાવ બનાવડાવ્યું હતું. તે આજે પણ ભાવનગરની શાન બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ ભાવનગર શહેરના ૩૦૦ માં વર્ષના પ્રવેશની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યુ કે, ભાવનગર તેના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ દ્વારા રિસાયકલિંગ માટે વિશ્વભરમાં ખ્યાત છે. આગામી સમયમાં તે કેન્દ્ર સરકારની રિસાયકલિંગ પોલીસીને પગલે રિસાયકલિંગ ક્ષેત્રે ધમધમતું થવાનું છે. મહાત્મા ગાંધીજીએ જેમાં અભ્યાસ કર્યો હતો તેવી શામળદાસ કોલેજ તથા બાર્ટન લાયબ્રેરી આ શહેરની શોભા છે તેમ જણાવી તે જમીનમાં રાજાએ શહેરની વચ્ચે વિક્ટોરિયા ગાર્ડનના નિર્માણ દ્વારા પર્યાવરણની રક્ષાનું પણ કાર્ય કર્યું છે તેને યાદ કર્યું હતું. શહેરના પ્રફુલ દવે, પાર્થિવ ગોહિલ, રવિશંકર રાવળ, વિનોદ જોશી, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળીથી માંડીને ચેતન સાકરિયા સુધીના ભાવનગરના રત્નોને આ અવસરે યાદ કર્યા હતાં. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ ભાવનગરના જન્મોત્સવની ઉજવણીની સફળતા જોઈને સમગ્ર વર્ષ દરમ્યાન તેની ઉજવણી વિવિધ વિષયો અને થીમ સાથે કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે તેમની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ તથા પૂર્વજોનું કથન હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો આ ભાવનાને આગળ વધારીને ભાવનગર નૂતન વિકાસના શિખર સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ તકે જન્મોત્સવ સમિતિના ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાવનગરના મહારાજાએ બ્રોડગેજ લાઇન નાંખવા જમીન, સર ટી.હોસ્પિટલની સ્થાપના, યુનિવર્સિટીના નિર્માણ માટે જમીન આપનારાં પ્રજાકલ્યાણનો વારસો ધરાવતાં રાજાઓ આ શહેરને મળ્યાં છે.તેમનું સ્મરણ કરવાનો પણ આ અવસર છે. મુખ્યમંત્રી ૨૯૯ કિલોની લાડવાની પ્રસાદી સાથેના માં ખોડીયારની આરતીમાં પણ જોડાયાં હતા. આ લાડુ માં ખોડીયારની પ્રસાદી તરીકે ભાવનગરના કૂપોષિત બાળકો વચ્ચે વહેંચવામાં આવશે. તે રીતે રાજ્ય સરકારના કૂપોષણ અભિયાનમાં એક રીતે બળ મળશે.મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થાઓ તથા વ્યક્તિ વિશેષોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમને પણ માણ્યો હતો.

Previous articleઈદની ઉજવણી વખતે મુસ્લિમોના બે જૂથ વચ્ચે નજીવી બાબતે ઝપાઝપી
Next articleભાવનગર ખાતે કૃષિ ઉત્પાદક સંગઠનો અને કૃષિ સામગ્રી પેઢીઓની બેઠક યોજાઈ