“ગિરધરભાઇ શું થવા બેઠું છે?” રાજુ રદીએ મને સવાલ કર્યો.
“રાજુ.દેશમાં એકતા કપૂરની ઘારાવાહિકની જેમ હપ્તે હપ્તે પેટ્રોલ ડિંઝલનો ભાવ વધે છે . લોકો આ વિકાસના વિકાસનો આનંદ લઇ રહ્યા છે” મેં ઠંડા કલેજે જવાબ આપ્યો .
“એમ નહીં. ગિરધરભાઇ” રાજુએ નારાજગી દર્શાવી.
“રાજુ.રશિયાએ યુક્રેનને ખોખરું કરી નાંખ્યું છે. યુક્રેને પેલી વાર્તા જેમ ડુંગળી કે ખાધી, ચાબખા ખાધા.હવે વિધોટી ભરશે. ઘીના ઠામમાં ઘી પડી જશે. ઝેલેન્સકીએ લાંબી લડાઇ લડીને પુતિનને ધૂળચાટતો કરી દીધો “મે યુધ્ધસ્ય રમ્યાઃકથા માંડી.
“મારા સવાલનો આ જવાબ નથી!!” રાજુએ લગભગ ચીસ પાડી.
“ રાજુ. દેશમાં ગરમી પડવા માંડી છે. ગરમીનો પારો ૪૨ ને ક્રોસ કરવા માંડ્યો છે. માર્ચમાં આ હાલ છે તો મે-જુનમાં કેવા હાલ થશ તેના ચિંતા થવા માંડી છે.” મેં હવામાનની ચિંતા કરવા માંડી.
“ગિરધરભાઇ. મારી ધીરજની કસોટી ન કરો.નહીંતરપપપ” રાજુએ મને અલ્ટીમેટમ આપ્યું.
“ રાજુ. ઇમરાનખાનનુ્ પ્રધાનમંત્રી તરીકેનું ભાવિ આજે નક્કી થઇ જશે. કદાચ નવાજ શરીફના નાના ભાઇ હવે પછીના પ્રધાનમંત્રી થશે.” મેં ટીડા જોશીની જેમ ઇમરાનનું ટીપણું ખોલી આગાહી કરી.
“ ગિરધરભાઇ. દેશના બ્રનિંગ પ્રોબ્લેમની વાત કરૂં છું. તમે નીરોની જેમ ફીડલ વગાડો છો.” રાજુએ મને ધમકાવી નાંખ્યો.
“ રાજુ . સોરી!બોલ તારે શું કહેવું છે?” મેં ગંભીરતા ધારણ કરી કહ્યું.
“ ગિરધરભાઇ. ગુજરાતમાં એક તરફ એશિયાટિક સિંહની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં ઘટાડો ૭૦.૯૪ ટકા થયો છે. બ્રુક ઈન્ડિયા ચેરિટી દ્વારા કરાયેલા સર્વેમાં આ સમગ્ર માહિતી સામે આવી છે. ગુજરાતમાં ગધેડાની વસ્તી ૨૦૧૨માં ૩૯,૦૦૦ હતી. જે ૨૦૧૯માં ધટીને સંખ્યા ૧૧,૦૦૦ની થઈ છે.”રાજુએ આઘાતજનક વાત કરી.
“ જો, રાજુ. આમાં મારો કોઇ દોષ કે વાંક નથી!!” મેં સ્પષ્ટતા કરી
“ તમારો વાંક નથી કાઢતો. પણ ગધેડાની વસ્તી ઘટવાનું કારણ હશે કે નહીં ??”
રાજુએ સવાલ પૂછ્યો.
“ રાજુ. આ ઘટાડા પાછળ ગધેડાની ઘટતી જતી,ઉપયોગિતા, ચરાઈ જમીનની તંગી ,ગધેડાની ચોરી અને ગેરકાયદેસર કતલને પતનનાં કારણો તરીકે દર્શાવ્યા છે. પહેલા ૩૦૦૦ થી ૪૦૦૦ હજારમાં ગધેડા મળતા હતા. જે હવે ૧૭૦૦૦ થી ૧૮૦૦૦ હજારમાં ગધેડા મળી રહ્યા છે. જેના કારણે ગરીબ લોકોએ ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.વેપારીઓ લંગડા, લુલા, ઘાયલ ગધેડાની મોં માંગી કિંમત એટલે કે ૧૦,૦૦૦- ૧૫,૦૦૦ કિંમત આપી લઈ જાય છે. જેમને કત્લ માટે ફક્ત ગધેડાથી મતલબ હોય છે. સાક્ષરતા દરમાં વધારો, ઈંટોના ભઠ્ઠામાં યાંત્રિકરણ અને માલસામાનની વહન માટે ગધેડાને બદલે ખચ્ચરનો ઉપયોગ પણ તેમની વસ્તીમાં ઘટાડા માટેના કારણો પૈકી એક છે. ગધેડાની ચામડીની દાણચોરી અન્ય દેશોમાં, ખાસ કરીને ચીન, ઇજિયાઓ માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થાય છે. ગધેડાનું માંસ ખાવાથી શ્વાસની બીમારી દૂર થાય છે. તેમને એવો પણ વિશ્વાસ છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સ પાવર વધે છે. આ ધારણાઓને કારણે લોકો ગધેડાનું માંસ ભોજનમાં ઉપયોગમાં લે છે. ધેડાના શરીરમાં રહેલું જિલેટીન અથવા તેની ચામડીને પલાળીને અને સ્ટીવિીંગ કરીને તેમાંથી મેળવવામાં આવતું એક પ્રકારનું ગુંદર છે.
’એજિયાડો’ એ પરંપરાગત ચાઇનીઝ દવામાં બ્લિડિંગ, ચક્કર, અનિદ્રા અને સૂકી ઉધરસ જેવી વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર માટે વપરાતો ઘટક છે. “આ ઉપરાંત તેના કેટલાક બીજા પણ આરોગ્યપ્રદ લાભ હોવાનું કહેવાય છે. તેમાં આયુષ્ય લંબાવવા, સેક્સ ડ્રાઇવમાં વધારો કરવા અને સુંદરતા જાળવી રાખવા માટેના ગુણ હોવાનું માનવામાં આવે છે અને આ કારણે હવે ચીનમાં વધતા મધ્યમ વર્ગની માંગમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. ’એજીઆડો’ ની બેફામ માંગના કારણે પહેલાથી જ ચીનમાં ગધેડાની વસ્તીને ખતમ થઈ ચૂકી છે. પરંતુ હવે વિકાસશીલ આફ્રિકન અને એશિયન દેશો કે જ્યાં ઘણાં લોકોની આજીવિકા પણ ગધેડા પર જ આધાર રાખે ત્યાં પરિસ્થિતિ ચિંતાજનક છે. “મેં રાજુને વિગતવાર જવાબ આપ્યો.
“ ગિરધરભાઇ. બે પગાળા ગધેડાની સંખ્યા વધી છે. કેટલાક તો વિધાનસભા કે સંસદમાં પહોંચ્યા છે. બે પગાને લીધે ચોપગા ગધેડાની વસ્તી ઘટી છે!!!”
હું “હેં હેં શું કીધું” તેમ કહી રફૂચકકર થઇ ગયો!!!
– ભરત વૈષ્ણવ