રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૪૦ ટકા વધારો કર્યો

43

વધતા ફૂગાવાને કાબૂમાં લેવા રિઝર્વ બેંકની ક્વાયત : રેપો રેટમાં વધારો તાત્કાલિક અસરથી લાગુ થશે, અને તે વધતા જ તમામ પ્રકારની લોન્સ પણ મોંઘી થશે : મધ્યસ્થ બેંકની મિટિંગમાં લેવાયેલો નિર્ણય
મુંબઈ, તા.૪
દેશમાં ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરી દીધો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. આજે મધ્યસ્થ બેંકની એક મિટિંગ મળી હતી જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટમાં વધારો તાત્કાલિક અસરથી લાગુ થશે, અને તે વધતા જ તમામ પ્રકારની લોન્સ પણ મોંઘી થશે. રિઝર્વ બેંકે ૦.૪૦ ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને ૪.૪૦ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી તમામ બેંક્સ એફડી પર વ્યાજ વધારી રહી છે અને કેટલીક બેંકે તો લોનના વ્યાજ વધારી પણ દીધા છે. તાજેતરમાં જ એચડીએફસીએ પણ હોમ લોનનું વ્યાજ ૦.૦૫ ટકા વધાર્યું હતું. રેપો રેટ એટલે એવો દર કે જે દરે રિઝર્વ બેંક અન્ય બેંકોને ધીરાણ કરે છે. અત્યારસુધી આ ધીરાણ ૪ ટકાના દરે મળતું હતું, જે હવે ૪.૪૦ ટકાના દરે મળશે. જેના કારણે બેંકો પણ પોતાનું માર્જિન જાળવી રાખવા માટે લોનના વ્યાજ દર વધારશે. તેના કારણે કદાચ તમારી હોમ લોનનો ઈએમઆઈના વધે, પરંતુ વ્યાજ દરના વધારા અનુસાર તેનો સમયગાળો લંબાઈ શકે છે. દેશમાં વ્યાજદર છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક નીચા સ્તરે હતા. જેના કારણે હોમ લોન્સ પણ માંડ સાડા છથી સાત ટકા સુધીના વ્યાજ દરે મળી જતી હતી. જોકે, ક્રુડ ઓઈલમાં થઈ રહેલો ભાવવધારો, મોંઘા પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા પણ મોંઘવારી વધી હતી. જ્યારે મોંઘવારી વધે ત્યારે બજારમાં કેશ ફ્લો ઓછો કરવા માટે રિઝર્વ બેંક વ્યાજના દરમાં વધારો કરતી હોય છે. રિઝર્વ બેંકે વ્યાજદરમાં અણધાર્યો વધારો કરતા શેરબજારમાં પણ તેની અસર જોવા મળી છે. આજે ૫૭,૧૨૪ના સ્તરે ખૂલેલો સેન્સેક્સ આરબીઆઈની જાહેરાત બાદ બપોરે ૨.૩૬ કલાકે ૧૧૨૮ પોઈન્ટ્‌સના ઘટાડા સાથે ૫૫,૮૪૭ પર પહોંચી ગયો હતો. જેમાં બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં એવરેજ ચારેક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એચડીએફસી, ઈન્ડસિન્ડ, એક્સિસ, એસબીઆઈ જેવી બેંકોના શેરના ભાવ પણ ઘટ્યા હતા.

Previous articleબે પગાને લીધે ચોપગા ગધેડાની વસ્તીમાં ૭૧% ઘટી ગઇ!!!
Next articleસેન્સેક્સમાં ૧૩૦૬, નિફ્ટીમાં ૩૯૧ પોઈન્ટનું મોટું ગાબડું