એલઆઈસીના આઈપીઓનો વિરોધ કર્મચારી વર્ગ જોરશોરથી કરી રહ્યો છે પરંતુ કર્મચારી ક્વોટા ૫૮% ભરાયો
નવી દિલ્હી, તા.૪
ભારતના સૌથી મોટા આઈપીઓનું ભરણું આજે ખુલી ગયું છે. રૂ. ૨૧૦૦૦ કરોડ એકત્ર કરવા માટે ભારતીય જીવન વિમા નિગમનો આઈપીઓ ખુલી ગયો છે. જોકે નાના રોકાણકારો તરફથી આઈપીઓને પ્રથમ દિવસે જ બમ્પર રીસ્પોન્સ મળી રહ્યો છે. શરૂઆતી કલાકોમાં જ અમુક કેટેગરીઓ તરફથી જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. લાઈવ ડેટા અનુસાર ૧ વાગ્યા એટલેકે શરૂઆતી ૩ કલાકમાં જ એલઆઈસીનો ૨૧,૦૦૦ કરોડનો આઈપીઓ ૩૫% ભરાઈ ચૂક્યો છે. આ સમયગાળામાં ક્યુઆઈબી કેટેગરી તરફથી ૧%ની પણ બિડ નથી આવી પરંતુ એનઆઈબી કેટેગરીમાં ૮% સબસ્ક્રિપ્શન મળ્યું છે જ્યારે રિટેલ કેટેગરીમાં ૩૭% સબસ્ક્રિપ્શન મળી ગયું છે. મહત્વની વાત એ છે કે એલઆઈસીના આઈપીઓનો વિરોધ કર્મચારી વર્ગ જોરશોરથી કરી રહ્યો છે પરંતુ કર્મચારી ક્વોટા ૫૮% ભરાઈ ગયો છે ચોંકાવનારી વાત એ છે કે એલઆઈસીના આઈપીઓ માટે એલઆઈસીના પોલિસીધારકોમાં ગાંડાતૂર ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલિસીધારકોનો ક્વોટા ૧૧૭% સબસ્ક્રાઈબ થઈ ગયો છે.
આમ કુલ આપીઓ ૩૫% ભરાઈ ચૂક્યો છે એટલેકે પ્રતિ કલાક ૨૪૫૦ કરોડની બિડિંગ મળી રહી છે. આમ પ્રતિ સેકન્ડ એલઆઈસી આઈપીઓમાં શેર ખરીદવા માટે ૬૮ લાખ રૂપિયાની અરજીઓ મળી રહી છે.