300મો જન્મોત્સવ રંગેચંગે સંપન્ન: ભાવનગરની જન્મદિનની ઉજવણીની પૂર્ણાહુતિમાં માનવ મહેરામણ ઉમટ્યું,

67

જીગરદાન ગઢવી, દેવપગલી અને સાંત્વની ત્રિવેદીએ તેમના સંગીતના તાલે લોકોને ડોલાવ્યા
ભાવનગર શહેરની સ્થાપનાને 300 વર્ષ પૂરાં થવાનાં ઉપલક્ષ્યમાં બોરતળાવ ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય રંગારંગ કાર્યક્રમની પૂર્ણાહુતીના આખરી અને ત્રીજા દિવસની સંધ્યાએ જીગરદાન ગઢવી, દેવપગલી અને સાંત્વની ત્રિવેદીના સથવારે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

સાંત્વની ત્રિવેદીના સંગીતના સથવારે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ દેવપગલીએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમના ગીતો સાંભળી લોકો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ જીગરદાન ગઢવીએ એક પછી એક ગીતોની ભરમાર જમાવી દીધી હતી અને જીગરદાને ગુજરાતી ભજનો પર લોકોને નચાવ્યા હતા. તેણે સતત 3 કલાક ગાઈ લોકોને ઝૂમતા કરી દીધા હતા.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરની સ્થાપનાની જે પ્રકારે ઉજવણી થઈ છે તેમાંથી રાજ્યના અન્ય નગરો અને ગામો તથા દેશના અન્ય પ્રદેશો પણ પ્રેરણા લેશે. ત્રિદિવસીય ઉજવણી દરમિયાન આઝાદીનાં 75 વર્ષની અનુલક્ષીને 750 તિરંગા સાથેની તિરંગા યાત્રા, 300 કિલોનો લાડું, સર ટી. હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન સહિતના સામાજિક નિસ્બતના કાર્યો હાથ ધરવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં અનુક્રમે પહેલા અને બીજા દિવસે ઉપસ્થિત રહીને ભાવનગરની શોભા વધારી છે. આ દરમિયાન પ્રથમ દિવસે સાંઈરામ દવે, પાર્થિવ ગોહિલ અને કિંજલ દવે, બીજા દિવસે રાજ્યકક્ષાએ પ્રથમ આવી હોય તેવી જિલ્લાની કૃતિઓ અને આજે ત્રીજા દિવસે ભાવનગરના સ્થાનિક કલાકારો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીએ આઝાદીનાં 75 વર્ષના ઉપલક્ષ્યમાં ભાવનગરના વિકાસમાં યોગદાન આપનાર 75 સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કર્યું હતું. ભાવનગર શહેર માટે નવાં નજરાણા સમાન બની રહેલાં બોરતાળવ ખાતે રંગારંગ રોશની વચ્ચે યોજાયેલા કાર્યક્રમને ભાવેણાવાસીઓએ મન ભરી માણ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, આઈજી અશોકકુમાર યાદવ, એએસપી. સફિન હસન, કોર્પોરેટરો, આગેવાનો સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર શહેરના વિકાસ માટે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Next articleભાવનગર-મુંબઇ અને પુના વચ્ચે વિમાની સેવાનું ટેકઓફ