ધોમધખતા તાપમાં મ્યુનિ.ના ઢોરના ડબ્બામાં છાંયડાની પર્યાપ્ત વ્યવસ્થાનો અભાવ, પશુઓની દયનિય સ્થિતિ

70

શહેરમાંથી પકડેલ ગાય સહિતના પશુઓ માટે અગનગોળા વરસાવતી ગરમીમાં છાયડાની પૂરતી વ્યવસ્થા નહિ કરાતા જીવદયાપ્રેમીઓ દુઃખી-દુઃખી
ભાવનગરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવામાં નિષફળ રહેલી મહાપાલિકાએ પકડેલા પશુઓને બદતર સ્થિતિમાં ધકેલતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોમધખતા તાપ વચ્ચે પશુઓને જાણે મરવા છોડી દેવાયા હોય એમ છાંયડાની પૂરતી વ્યવસ્થા પણ નહીં કરી તંત્રએ સંવેદના ગુમાવી હોવાનો રોષ ઉઠી રહ્યો છે.શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા અઢળક પૈસા કોર્પોરેશને ખર્ચ્યા છતાં હજુ પૂર્ણ ઉકેલ આવ્યો નથી. બીજી બાજુ ડબ્બે પુરેલા પશુઓ કોઈ પાંજરાપોળો સ્વીકારવા તૈયાર નથી અથવા મ્યુ. તંત્ર આ મોરચે નિષ્ફળ નિવડયું છે, હાલ તો ડબ્બે પુરેલા પશુઓને ચારો નિરવો, પાણી પીવરાવવું વિગેરે જવાબદારી તંત્રના ગળામાં ગાળિયો બની છે. રખડતા ઢોરને ડબ્બે પૂર્યા પરંતુ તડકામાં છાંયડો મળી રહે તેવી પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા જ નથી આથી પશુઓની સ્થિતિ બદતર બની છે. કેટલાક પશુઓનો મોત થયાની ઘટના પણ અગાઉ સામે આવી હતી. જોકે, તંત્રનું કહેવું છે કે, પ્લાસ્ટિક આરોગીને પશુઓ પહેલેથી જ બીમાર હતા, ટેવ મુજબનો ખોરાક નહિ મળતા તબિયત લથડીને મૃત્યુ પામે છે.! દરમિયાનમાં હાલ ધોમધખતા તાપ વચ્ચે પશુઓને છાંયડો મેળવવા પૂરતા શેડ નથી. પશુઓની સંખ્યા સામે શેડની વ્યવસ્થા ઓછી હોવાનો રોષ ઉઠ્‌યો છે. આથી પશુઓની સ્થિતિ ખૂબ જ દયનિય બની ગઈ છે. જીવદયાપ્રેમીઓમાં આ મામલે ભારે રોષ વ્યાપ્યો છે.
છાંયડા સહિતની પૂરતી વ્યવસ્થા માટે ક્રમશ સુવિધા વધારાઇ – તંત્ર
ભાવનગર મહાપાલિકાના વેટરનરી તબીબ અને પશુ નિયંત્રણ કામગીરીનો હવાલો સંભાળતા ડો.હિરપરાએ આ મામલે જણાવ્યું કે, કોર્પોરેશન પાસે હાલ અખિલેશ સર્કલ અને એરપોર્ટ રોડ પર ઢોરને રાખવા ડબ્બાની વ્યવસ્થા છે. તે પૈકી અખિલેશ સર્કલમાં પ્યાર્પત વ્યવસ્થાનો અભાવ હતો, શરૂઆતમાં માત્ર બે વૃક્ષોના સહારે પશુઓ છાયડો મેળવવા મજબુર હતા પરંતુ ક્રમશ સુવિધાઓ વધારી છે. અવેડો અને શેડની વ્યવસ્થા ઉમેરાઈ છે.

Previous articleભાવનગર-મુંબઇ અને પુના વચ્ચે વિમાની સેવાનું ટેકઓફ
Next articleપ્રભુદાસ તળાવમાં યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારાઇ