વહેલી સવારે બાતમીના આધારે પુરવઠાની ટીમ દોડી ગઇ, સરકારી ચોખાનો જથ્થો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
સરકારી અનાજ સગેવગે થવાના અનેક બનાવો વચ્ચે શહેરના ચિત્રા વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક ટ્રક બિનવારસી મળી આવ્યો હતો. જેમાં સરકારી અનાજનો જથ્થો હોવાનું પુરવઠા તંત્રની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે, આ ટ્રક અહીં કઇ રીતે પહોંચ્યો તે મોટો પ્રશ્ન છે. દરમિયાનમાં સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરે સરકારી ગોડાઉનની પ્રિમાઇસીસમાંથી આ ટ્રક ગત રાત્રે ચોરાઇ ગયો હોવાની કેફીયત પુરવઠા તંત્ર સમક્ષ વ્યક્ત કરી છે. હાલાકી આ ઘટના અનાજ ચોરીની છે કે ટ્રક ચોરીની તે સમજવા તંત્ર માથુ ખંજવાળી રહ્યું છે અને તપાસ ચાલી રહી છે. આ ચકચારી પ્રકરણમાં ઉપલબ્ધ વિગતો મુજબ આજે વહેલી સવારે શહેરના ચિત્રા જીઆઇડીસીમાં અનાજ ભરેલો ટ્રક બિનવારસી હાલતે પડ્યો હોવાની તંત્રને જાણ કરાતા સવારે લગભગ ૫.૪૫ના સુમારે પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા સ્થળ પરથી ચોખા ભરેલ ટ્રક મળી આવ્યો હતો. જ્યારે ટ્રકના ટાયરમાં હવા ન હતી ! પુરવઠા તંત્રએ તપાસ કરતા આ અનાજનો જથ્થો એફ.સી.આઇ. (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)એ મોકલેલો અને સરકારી ગોડાઉનમાં પહોંચાડવાનો હતો તેમ સામે આવ્યું હતું. દરમિયાનમાં સપ્લાયનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે પુરવઠા તંત્રને એવી કેફીયત આપી હતી કે, અનાજ ભરેલો આ ટ્રક ચોરીને કોઇએ અહીં બિનવારસી છોડી દીધો છે અને આ સંદર્ભે પોલીસમાં પણ અરજી આપેલી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પુરવઠા ઇન્સ્પેક્ટરે ટેલિફોનીક વાતચીતમાં ઉક્ત વિગતો જણાવી હતી. જ્યારે આ અંગે નિવેદનો લઇને ઉંડી તપાસ હાથ ધરાશે તેમ ઉમેર્યું હતું.
તારાચંદ પેઢી સામે ટ્રક પડ્યો હોવાની વિગત મળતા અમે દોડી ગયા અને તંત્રને જાણ કરી- ‘આપ’
સરકારી અનાજ સાથે બિનવારસી ટ્રક મળી આવ્યાની આ ઘટનામાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ તંત્રને જાણ કરી હતી. ‘આપ’ના ભાવનગર પ્રમુખ મહિપતસિંહએ જણાવ્યા મુજબ ગઇકાલે જ ફોન પર વિગત મળી હતી કે, સરકારી અનાજનો જથ્થો ભરેલો ટ્રક જીઆઇડીસીની એક પેઢીમાં પહોંચવાનો છે આથી અમે સજાગ હતા દરમિયાનમાં સવારે ફોન પર વિગત મળી હતી કે, જીઆઇડીસીમાં તારાચંદ પેઢી સામે બે ટ્રક પડ્યા છે જેમાં એકમાં સરકારી ચોખા ભરેલા છે. અમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વિગતોમાં તથ્ય જણાયું હતું. જ્યારે ટ્રક સાથે કોઇ હતું નહીં આથી પોલીસ અને પુરવઠા તંત્રને જાણ કરી સમગ્ર મામલો તેને સુપ્રત કરવામાં આવ્યો છે. હવે આ અનાજનો જથ્થો કઇ રીતે પહોંચ્યો તે તપાસનો વિષય તંત્રનો છે.