ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) અને સમયસરની આરોગ્ય સારવારને કારણે જિલ્લાના નીગરાની હેઠળના ૭૪ માંથી ૪૬ બાળકોમાં એટલે કે ૬૨ % કિસ્સામાં વજન વધારવામાં સફળતા મળી છે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે.
તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ બાબતે નવાં જન્મેલા બાળકોની ગૃહ મુલાકાત કરાવી લેચીન્ગ (સ્તનના એરીઓલા અને સ્તનના એરીઓલાના નીચલા ભાગ સાથે બાળકના જોડાણ) અને સુધારેલ પારણાં પધ્ધતિ અને જરૂર હોય ત્યાં લેઇડ બેક, ફૂટબોલ હોલ્ડ વગેરે પધ્ધતિ પણ ટીમ દ્વારા સમજાવવામાં આવી રહી છે. પ્રતિ દિન બાળકનું વજન ૪૦ ગ્રામ કરતાં વધુ વધે એ બાબતે સ્તનપાનની વિવિધ પધ્ધતિ અને લેચીન્ગની સાથે- સાથે મેટરનલ ન્યૂટ્રીશન અને પોસ્ટનેટલ ન્યૂટ્રીશન તેમજ આયર્ન અને કેલ્શિયમની ગોળીના વપરાશ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. સિહોર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાની ત્રિવિધ જવાબદારી સંભાળતા એવાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મનસ્વિનીબેન માલવિયા દ્વારા સુપોષિત ભાવનગરના સ્વપ્નને સાકાર કરવાCHO અને RBSK મેડિકલ ઓફિસરનું સતત ફોલો-અપ લેવામાં આવી રહ્યું છે અને તેમના તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ રુબરુ મુલાકાત લઇ સ્ટાફને આ બાબતની તાલીમ આપી દેખરેખ રાખવામાં આવી રહી છે. ડૉ. મનસ્વિનીબેન માલવિયાએ પોતાના તાબા હેઠળના તાલુકાઓમાં કુલ ૭૪ બાળકોને CHO અને RBSK મેડિકલ ઓફિસર દ્વારા સીધા પોતાની નીગરાનીમાં રાખ્યાં છે. જેમાંથી ૪૬ બાળકો એટલે કે ૬૨ % બાળકોમાં વજન વધારામાં ખૂબ સારા પરિણામ મળ્યાં છે. એટલે કે આ બાળકોમાં પ્રતિદિન ૪૦ ગ્રામ કે તેનાથી વધુનો વજન વધારો ક્રોસ ક્રેડલ ( સુધારેલ પારણાં પધ્ધતિ) અને લેચીન્ગ દ્વારા મળ્યો છે. આ સાથે સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં ૨ માસમાં કુલ ૨૪ પ્રસૂતિ કરાવવામાં આવી છે. જેમાં પણ ડૉ. મનસ્વિનીબેન માલવિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. મિલન ઉપાધ્યાય અને સ્ટાફ નર્સ તેમજ સ્ત્રી આરોગ્ય કાર્યકર ખૂબ મહેનત કરી રહ્યાં છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, ૧૭ પ્રસૂતિ રાત્રિના સમયે કરાવવામાં આવી છે. જિલ્લામાં સરકારી સંસ્થાકીય પ્રસૂતિનું પ્રમાણ વધારવાં અને ગુણવત્તાયુક્ત, સમયસર સેવાઓ આપવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડ આરોગ્ય ટીમને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સમગ્ર કામગીરીને જિલ્લા આર. સી. એચ. અધિકારશ્રી ડૉ. પી. વી. રેવર અને તેમની ટીમ ખૂબ ઝીણવટભરી રીતે મોનીટર કરી રહ્યાં છે. આવનાર સમયમાં ભાવનગર જિલ્લામાં ઠીંગણાપણા(stunted) અને ઉંચાઇ (wasted)સામે ઓછાં વજનવાળા -દૂબળાં પાતળાં બાળકોનું પ્રમાણ ઘટેલું જોવાં મળે એ માટે તમામ આરોગ્ય કર્મચારીઓ અને આશાબહેનો પણ ભારે જહેમત ઉઠાવી રહી છે.