જેમ હરિનો મારગ શૂરાનો છે. આ મારગ પર કાચાપોચા,ઢચુપચુ લોકો ચાલી શકતા નથી.કેમ કે, ડગલે ને પગલે કસોટી આવે છે. તેનો સામનો કોઇક ધ્રુવ, પ્રહ્લાદ, નચિકેત, નરસૈંયો કે મીરા ચાલી શકે.ઐરાગૈરા કે નથુગેરા ન ચાલી શકે!!
કોઇ પણ વસ્તના ભાવ વધારવા પણ શૂરાનું કામ છે.ભાવ વધારો કેટલીવાર કરવો અને કેટલી રકમનો કરવો તેનું વિશદ માર્ગદર્શન આપના માટે રેડી રેકનર ઉપલબ્ધ હોતા નથી. આપણા કમનસીબે આ માટે કોઇ યુનિવર્સિટી પણ નથી!!
ભાવવધારા પર દીવાદાંડીની જેમ પ્રકાશ ફેલાવવા માટે થોડાંક પૂવર્દ્રષ્ટાંત છે.
તમે પચાસ રૂપિયાનું ટુથ બ્રશ બનાવનાર કંપની બે પાંચ રૂપરડીનો ભાવ વધારો કરી શકે. એનાથી વધુ ભાવ વધારે તો બજારમાંથી ફેંકાય જાય! કેમ કે, બીજી કંપનીઓ ટાંપીને બેઠા હોય છે.
કેટલીક કંપનીઓ ન્યુનતમ કિંમતે બજારમાં ધામધૂમથી પ્રવેશ કરે છે! માર્કેટ શેર કહેજે કરે છે. બજારમાં સ્થિર થાય કે પોત પ્રકાશે! પેટમાં ઘૂસીને ટાંટિયા પહોળા કરે છે! પછી ધડાધડ ભાવ વધારા કરવા માંડે છે. ગ્રાહકો તો ઠીક પણ કંપનીના કર્મચારી સહિત પ્રમોટરો હબક ખાઇ જાય છે!!
કેટલાક ભાવ વધારો એવી રીતે કરે છે કે માનો સિંહે શિકાર કર્યો ન હોય!! સિંહ શિકાર કરીને ક્ષુધા તૃપ્તિ કર્યા પછી શિકાર તરફ જોતો નથી. બાકીનો શિકાર શિયાળવા માટે છોડી દે છે.
ભાવ વધારો કરવા માટે છપ્પનની છાતી જોઇએ. ભાવ વઘારો કરે તો પણ રાષ્ટ્ર પર ઉપકાર કરતા હોય એમ કરે. ભાવ વધારાને કારણે અર્થતંત્રમાં કેટલો ફાયદો થાય તેની પીએચડીની ડીગ્રી લેવા જેટલો થીસીસ રજૂ કરે!!જેમ ભમરો ફૂલ પરથી લગીર રસ પીએ તેટલો સમાપ કર રાજાએ પ્રજા પાસેથી ઉઘરાવવો જોઇએ તેમ મગજના મહાઅમાત્ય ચાણક્યે કહ્યું છે. આપણે ત્યાં વેપારી શ્રી સવા લખે છે તેનો અર્થ એ થયો કે વેપારીએ પા ટકા નફો લેવાનો!! વાસ્તવમાં વેપારી ગ્રાહકને શેરડીના સંચામાં છોતરા જેવો રહે તેમ પીલી નાંખે છે. ઇસ્લામમાં મૂડી પર વ્યાજ હરામ ગણવામાં આવેલ છે!!
કેટલાક લોકો ભાવ વઘારવાના બદલે યુગપ્રવર્તક બનવા ભાવ વધારાની સાંકળ તોડીને ભાવ વટાડો કરે છે. અર્થશાસ્ત્રમાં ભાવ વધારા -તેજીને ,ફુગાવાને ગુલાબી કે ઇચ્છનીય ગણે છે ભાવધટાડો-મંદી ઇચ્છનીય નથી. કેમ કે રૂપિયાનું સંકોચન થાય છે. રૂપિયાની ખરીદશક્તિ ઘટે છે જે વધુ મંદીને ઉતેજન આપે છે.
અમૂલે લગભગ આઠ મહીના પછી ભાવ વધારો કર્યો.( અલબત, સહકારી સંસ્થાના ઓઠા હેઠળ વિકરાળ વેપારી સંસ્થાન છે. લગભગ પૂર્ણ ઇજારા શાહી હોવા છતાં મલ્ટીન્શનલની માફક અબજો રૂપિયા ગર વરસે જાહેરાતમાં ફૂંકી મારે છે. જાહેરાતમાં બજેટમાં કાપ મુકે તો ગ્રાહકોને હાલના કરતાં અડધા ભાવે દૂધ વેચી શકે અને છાશ તો ફ્રી ઓફ કોસ્ટ આપી શકે!!)અમૂલ ભાવ વધારાની અસરને મોડરેટ કરવા રૂપિયા એકનો નજીવો ભાવસુધારો ગણાવે.
શિંક્ષણના ક્ષેત્રે કુમળા બાળકો પરીક્ષામાં અનુતીર્ણ થાય એવું પ્રગતિપત્રકમાં લખીએ તો બાળકોના માનસ પર વિપરીત અમે પ્રત્યાઘાતની નકારાત્મક અસર થાય એટલે “ ઇમ્પ્રુવમેન્ટ રીકવાયર્ડ જેના સોજજા ને સોફટ શબ્દો વાપરવાનો વાયરો વાયો છે તેવી રીતે ભાવ સુધારો લખવામાં કોઇ હર્જ નહીં હૈ ! પુષ્પા આઇ હેઇટ પ્રાઇઝ હાઇક બટ લાઇક પ્રાઇઝ રેકટીફિકેશન!!
અમૂલ ભાવ સુધારા માટે ખાણદાણના વધેલા ભાવની પતર ખાંડે છે. ઉનાળામાં ભાવ વધે એ સમજાય તેવી વાત છે. ચોમાસામાં લીલો ઘાસચારો મળે ત્યારે ભાવ ઘટે તો રોજેરોજ કટકે કટકો લૂંટાતા ગ્રાહકને ભાવ ઘટાડાનો લાભ આપતું નથી. આ બધો તામજામ ગ્રાહક છે તો છે. હાલમાં દૂધ ન પીવું વગેરે પ્રકારની ઝૂંબેશ ચાલે છે!! જો ગ્રાહક તે માર્ગે વળી જશે તો તમારું દૂધ કોણ લેશે?
અમૂલને ભાવ વધારતા પણ આવડતું નથી.આઠ મહીના પછી ભાવ વધારો કર્યો . એમાં પણ ડીફેન્સીવ . ધણા નમૂના સોના-ચાંદીની સરખામણીએ ૭૬% દૂધમાં ભાવવધારો થયો હોવાનું તારણ કાઢ્યું. અરે તારી ભલી થાય! સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૫૦૦૦૦ છે. કિલો સોનાનો ભાવ રૂપિયા પ૦,૦૦,૦૦૦- પચાસ લાખ છે જેની સામે દૂધ સાંઇઠ રૂપિયે લિટર છે!! અરે હાલારી પ્રજાતિની ગધેડીનું દૂધ ૭૦૦૦ રૂપિયે લિટર મળે છે. એક ચમચી દૂધ ૫૦-૧૦૦ રૂપિયે મળે છે. આઠ મહિને લિટરે બે રૂપિયા વધારો કરો તેમાં ક્ષોભ, સંકોચ કે લજ્જા શું અનુભવવાની હોય ભલા’દમી??
પેટ્રોલ- ડીઝલ કંપની દરરોજ પાંચ દસ રૂપિયાનો ભાવવધારો ઝીંકે છે. ભાવવધારાના કારણો પણ નથી આપતી. પ્રજા તરીકે તમે શું એનું બગાડી શકો છો? ઉલ્ટાનું એ તમારું બજેટ ખોરવી નાંખે છે!!
કોઇક દિવસ એનો હોય કે ભૂલથી ભાવ વધારો ન કર્યો હોય.,એટલે એમને જમવાનું પણ પચતું નથી!!! આપણે પેટ્રોલ પેદાશની કિંમતો બજાર દ્વારા નક્કી કરવાની નીતિ અખત્યાર કરી છે. અર્થાત્ સરકારી હસ્તક્ષેપ નાબૂદ કર્યો છે. મજાની વાત એ છે કે કોઇ પણ ચૂંટણી હોય તે સમયગાળામાં કોઇ અગમ શક્તિની અસર હેઠળ બજાર સાંઢમાંથી ડાહીડમરી બકરી થઇને બેં બેં કર્યા સિવાય ભાવ લગભગ સ્થિર રાખે છે! જો કે ચૂંટણી પછી પેટ્રોલયિમ કંપની બરાબરનો દાવ લે છે!!
ગેસ સિલિન્ડરનો ભાવ પણ પહેલો ઘા રાણાનો એ ન્યાયે વધારે છે. પહેલી ઓગષ્ટ ૨૦૨૧ના રોજ રૂપિયા ૭૩.૫ નો વધારો, પહેલી ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ રૂપિયા ૧૦૦ નો વધારો અને પહેલી માર્ચ ૨૦૨૨થી રૂપિયા ૧૦૫નો વધારા બોમ્બ ઝીંક્યો. કોઇની તાકાત છે કે ચૂંકેચા કરે કે હરફ ઉચ્ચારે?
લજામણીનો છોડ જેવા અમૂલના સંચાલકો પેટ્રોલ, ડીઝલ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કંપનીની જેમ ફાધર ઓફ બોમ્બ જેવો આકરો ભાવવધારો કરો. ઓલ ધી બેસ્ટ!!?
– ભરત વૈષ્ણવ